વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયેલે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા વધી રહી છે અને આપણી નિકાસ પણ વધી રહી છે. કોવિડ-19ની બીજી લહેર છતાં ભારતે એપ્રિલ-જૂન 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં હજુ સુધીની સૌથી વધુ નિકાસ દર્જ કરી હતી. એન્જિનીયરિંગ, ચોખા, તેલ મિલ અને સમુદ્રી ઉત્પાદનો સહિત વિભિન્ન ક્ષેત્રના બહેતર પ્રદર્શનને કારણે આ વર્ષે જૂન ત્રિમાસિક ગાળામાં નિકાસ વધીને 95 અબજ અમેરિકી ડોલરની થઈ હતી.
એપ્રિલ-જૂન 2018-19 દરમ્યાન વ્યાપારિક નિકાસ 82 અબજ ડોલર અને 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળામાં નિકાસ 90 અબજ ડોલર હતી. 2020-21ના જૂન ત્રિમાસિક ગાળામાં નિકાસ 51 અબજ ડોલર હતી. જ્યારે તે નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં નિકાસ 90 અબજ ડોલરની હતી. ગયા મહિને દેશની નિકાસ 47 ટકા વધીને 32 અબજ ડોલર રહી હતી.
ગોયલે જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ-જૂનના ગાળામાં દેશની વસ્તુઓની નિકાસ કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, મંત્રાલય વર્તમાન નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને પામવા માટે તમામ સંલગ્ન પક્ષો સાથે મળીને કામ કરશે.
વાણિજ્ય મંત્રાલયમાં ઓએસડી બીવીઆર સુબ્રહ્મણ્યમે કહ્યું કે, અમે 400 અબજ ડોલરની નિકાસ પર રોકાશું નહીં. 2022-23 માટે 500 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય છે.