Friday, October 18, 2024
Homeરાષ્ટ્રીયકઠોળના ભાવો અંકુશમાં લેવા કેન્દ્રની કવાયત

કઠોળના ભાવો અંકુશમાં લેવા કેન્દ્રની કવાયત

- Advertisement -

કઠોળના ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકાર ઘણા સમયથી ક્વાયત કરી રહી છે. છતાં બજારભાવ ખાસ પ્રભાવિત ન થતા હોવાથી સરકારે આખરી શસ્ત્ર ઉગામીને મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી દીધી છે. જથ્થાબંધ વેપારીઓ, રિટેઇલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે અને ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.

સરકારે ગયા વર્ષે જ ત્રણ મોટાં કૃષિ સુધારા પસાર કરાવ્યા હતા. એમાં સ્ટોક મર્યાદામાંથી આવશ્યક ચીજોને કાઢી નાખવામાં આવી હતી. જોકે સરકારે ફરીથી ભાવને કાબૂમાં કરવા આ કાયદો લાગુ કરવો પડયો છે. કઠોળના વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્ટોક મર્યાદાને લીધે ભાવમાં કડાકો બોલી જશે તો વાવેતર પર ગંભીર અસર પડવાની શક્યતા છે. સરકારી પરિપત્ર પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઇ છે. જથ્થાબંધ વેપારીઓ 200 ટન કરતા વધારે સ્ટોક કોઇપણ એક અથવા બધા કઠોળનો રાખી શકશે નહીં. રિટેઇલ વેપારીઓ માટે આ મર્યાદા પાંચ ટનની રાખવામાં આવી છે.

મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લાં ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઇન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો છે. આયાતકારો માટે સ્ટોક મર્યાદા 15મી મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15મી મે પછી આયાત કરેલા કઠોળનો નિકાલ 45 દિવસમાં કરી નાખવાનો છે.

કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.

ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular