જામનગર શહેરમાં બેડી ગેઈટ વિસ્તારમાં આજે સવારે વૃધ્ધનો મૃતદેહ મળી આવતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી ગેઈટ વિસ્તારમાં ભિક્ષાવૃતિ કરતા એક વૃધ્ધનો મૃતદેહ હોવાની જાણના આધારે સિટી બી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા વલ્લભભાઇ નાગજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.65) નામના વૃધ્ધનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. તેમજ વૃધ્ધના કોઇ વાલીવારસ ન હતાં અને વૃધ્ધને વર્ષોથી કેન્સરની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ મામલે વધુ તપાસ અર્થે પોલીસે વૃધ્ધનો મૃતદેહ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.