કોરોના મહામારીથી બાળકોને બચાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ આગામી મહિને કોરોના વાયરસ સામે સુરક્ષા આપતી કોવોવેક્સ વેક્સીનની ટ્રાયલ શરુ કરશે. એમાં 920 બાળકો પર કોવોવેક્સની સ્ટેજ 2 અને સ્ટેજ 3ની ટ્રાયલ શરુ કરવાની તૈયારી કરી છે. બીજી તરફ, ટૂંક સમયમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી માટે સીરમ અરજી કરશે. અમેરિકી બાયોટેકનોલોજી કંપની નોવાવેક્સ દ્વારા ગત મહિને સપ્ટેમ્બરમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કોરોના વેક્સીન બનાવવા કરાર કરાયા હતા. નોવાવેક્સની કોરોના રસી ભારતમાં કોવોવેક્સના નામથી બની રહી છે. સપ્ટેમ્બર સુધીમાં સીરમ આ વેક્સીનને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.ભારતમાં તેની બ્રિજિંગ ટ્રાયલ અંતિમ ચરણમાં છે. જોકે, બાળકો પર તેનો ક્લિનિકલ ટ્રાયલ થશે અને ટ્રાયલ સફળ રહ્યા બાદ આ વેક્સીન બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.