80 દિવસ બંધ રહ્યા બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળેશ્વર મંદિર આજથી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજયમાં કોરોનાના કેસમાં વધારો થવાને કારણે નવમી એપ્રિલથી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગયા વર્ષે કોરોના મહામારી ફાટી નીકળી ત્યાર બાદ આ બીજી વાર મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વ્યવસ્થાપન કમિટીએ સ્પષ્ટતા કરી હતી કે મંદિરના ગર્ભગૃહ અને નંદીહોલમાં કોઇને પ્રવેશ આપવામાં નહીં આવે. મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન મંજૂરી લેવી પડશે. કોરોનાની રસીનો એક ડોઝ લીધો હોય એવા લોકોએ મંદિરમાં પ્રવેશ સમયે તેમના સર્ટિફિકેટ રજૂ કરવા પડશે અથવા મંદિરમાં આવતા પહેલાના 48 કલાક પહેલા સુધીનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. રોજ સવારે છથી રાતે આઠ વાગ્યા સુધીમાં 3,500 શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. બે-બે કલાકના સાત ટાઇમ સ્લોટ રાખવામાં આવ્યા છે અને દરેક સ્લોટમાં 500 લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
શ્રધ્ધાળુઓ માટે મહાકાલના દ્વાર ખુલ્લા
દરરોજ 3500 શ્રધ્ધાળુઓને મંદિરમાં અપાશે પ્રવેશ