આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્ઞાતિઓનું વિશેષ વર્ચસ્વ રહ્યું છે. આપણું સમાજકારણ અને રાજકારણ ગુણવતા(કવોલિટી) અને દક્ષતા પર આધારિત નથી. આપણા લગભગ તમામ રાજકીય પક્ષો જ્ઞાતિવાદને પોષે છે.
જ્ઞાતિવાદના અજગરને દૂધ પિવડાવે છે. જ્ઞાતિઓનો દૂરૂપયોગ કરે છે.જ્ઞાતિવાદને મજબૂત બનાવે છે અને સમાજના વાતાવરણને સમરસ બનાવવાને બદલે પ્રદૂષિત અને ઝેરી બનાવે છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદ રાજાશાહીના જમાનાથી મૂળિયા નાંખેલો છે. આપણા કાઠિયાવાડમાં લગભગ બધી જ બાબતોમાં જ્ઞાતિવાદને કેન્દ્રમાં રાખવામાં આવે છે. નોકરી અને મકાન ભાડે અથવા વેચાણથી ખરીદવાની બાબતમાં તેમજ ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની પસંદગી કરવા સુધી-બધાં જ ક્ષેત્રોમાં જ્ઞાતિવાદનું વર્ચસ્વ છે.
જ્ઞાતિવાદી અને સંકુચિત માનસિકતાને કારણે ગુજરાતના અન્યપ્રદેશોની સરખામણીએ કાઠિયાવાડ આજે પણ ઘણાં અંશે પછાત છે. ગુજરાતના અન્ય વિસ્તારો અને દેશના અન્ય કેટલાંક રાજયોની સરખામણીએ કાઠિયાવાડ ઘણું પાછળ છે. કારણ કે, આપણે જ્ઞાતિવાદના બંધનમાં જકડાયેલી પ્રજા છીએ. કવોલિટી પ્રત્યે આપણે બહુ આગ્રહ નથી રાખતાં. જેને કારણે વિકાસની દોડમાં સૌરાષ્ટ્ર ઘણું પાછળ છે.
2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, આ વિધાનસભા ચુંટણીમાં ભાજપાની નૈયા માંડ માંડ પાર લાગી હતી. આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીને માંડ એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વેંતિયા રાજકારણીઓએ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત જ્ઞાતિવાદના અજગરને જગાડવાનું દુસાહસ કર્યું છે.
થોડા સમય પહેલાં પાટીદાર અગ્રણી દ્વારા રાજયમાં પાટીદાર સીએમની બેહૂદી માંગણી કરવામાં આવી હતી. જોકે, સદનસીબે આ પાટીદાર અગ્રણીની વાતને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયાંયથી ટેકો ન મળ્યો. ત્યારબાદ હવે સૌરાષ્ટ્રમાં કોળી જ્ઞાતિના લોકો રાજકારણમાં પોતાનો પક્ષ મજબૂત બનાવવા માટે મેદાનમાં આવ્યાં છે. જ્ઞાતિઓના આગેવાનો રાજકિય નેતાઓની મજબૂરીને સમજતા હોય છે. સૌરાષ્ટ્રમાં ટોળાશાહી મુખ્ય બિઝનેસ હોવાથી જ્ઞાતિઓના આગેવાનો સોદાબાજીઓમાં સફળ થતાં હોય છે. જ્ઞાતિવાદનું આ ઝેર સૌરાષ્ટ્રના સંતુલિત અને ઝડપી તેમજ વ્યાપક વિકાસ માટે અવરોધરૂપ છે. લોકોએ જાગૃત બની જ્ઞાતિવાદની સંકુચિત વિચારધારાને સાઇડમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસ પ્રત્યે ધ્યાન આપવું જોઇએ. સૌરાષ્ટ્રમાં સેંકડો સમસ્યાઓ 30-40-50 વર્ષોથી હયાત છે. આગેવાનોએ અને પ્રજાએ જ્ઞાતિવાદ જેવી ક્ષુલ્લક બાબતોને બાજુ પર મુકી સમગ્ર સૌરાષ્ટ્ર સારી રીતે કેમ આગળ વધી શકે? તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. સૌરાષ્ટ્રના સંકુચિત આગેવાનો અને ટોળાશાહીમાં માનતા નાગરિકોને કારણે સૌરાષ્ટ્ર પછાતનું લેબલ ધરાવે છે. આપણે સૌ આશા રાખીએ કે, 2022ની વિધાનસભા ચુંટણી કવોલિટી અને સજ્જતાના મુદ્દે લડાય.