સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં નાની મોટી અનેક સર્જરી કરવામાં આવતી હોય છે.જેમાં ઘણી વખત જટિલ સર્જરીઓ પણ કરવામાં આવે છે જે માટે આ હોસ્પિટલના સક્ષમ તબીબો દ્રારા નિર્વિઘ્ને આવી સર્જરીઓ સફળતાપૂર્વક કરાય છે. હાલમાં જામનગરના એક કેન્સરગ્રસ્ત પ્રૌઢના પેટમાં ચાર કિલોની ગાંઠનો રીપોર્ટ આવ્યો હતો. કેન્સરગ્રસ્ત દર્દીના શરીરની મોટી ગાંઠ દુર કરવા માટે જીજી હોસ્પિટલના તબીબો દ્રારા કરાયેલ 5 કલાકની સફળ સર્જરી બાદ આ દર્દી સ્વસ્થ થયા છે.
જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગ દ્રારા તાજેતરમાં જ એક સફળ સર્જરી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં રહેતા 55 વર્ષના પ્રૌઢને છેલ્લા 9 મહિનાથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી અને થોડા દિવસ અગાઉ તેઓ જીજી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. ત્યાં તેમના બાયોપ્સી રીપોર્ટમાં શરીરમાં એક મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. અને સર્જરી વિભાગના વડા સુધીર મહેતા અને ફેનલ શાહના માર્ગદર્શન હેઠળ ડૉ.વિરલ સાંગાણી, કેવિન અજુડિયા અને ભાર્ગવી પટેલ દ્રારા સર્જરી કરવામાં આવી હતી. અને ડોકટરોની 5 કલાકની મહેનત બાદ સફળ સર્જરી થઇ હતી. અને દર્દીના શરીર માંથી 4 કિલોની નાની મોટી 5 ગાંઠ નીકળી હતી. હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર લીધા બાદ તેઓની તબીયત હાલ સ્થિર છે.
સર્જીકલ યુનિટ-1ના ડોકટરો દ્વારા આવી બીજી પણ એક સર્જરી કરવામાં આવી છે. જેમાં જામનગરની યુવતીને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી અને બાદમાં તેના જઠ્ઠરમાં ગાંઠ હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું હતું અને ડોક્ટરોએ સર્જરી કરી તેણીનું અડધું જઠ્ઠર કાઢી નાખી આંતરડું સાંધી એન્ડોસ્કોપી કરવામાં આવી છે.