કોરોના વાઇરસ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવ્યા છે અને જો આ પ્રવાહ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્ર્વ આરાગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક અહેવાલમાં આપી છે. રર જુને જારી કરવામાં આવેલી સાપ્તાહિક મહામારી માહિતી અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બેટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં ફેલાયો છે. ચારે કોરોના વેરિઅન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિઅન્ટસ ઓફ ક્ધસર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે.
દરમ્યાન જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિઅન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે તે જોતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં જ છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પંદર ટકા કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે. દરમ્યાન યુએસમાં વોલ સ્ટ્રીટની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગને તેના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવાની સલાહ આપી છે. બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે. દરમ્યાન ઇંગ્લેન્ડમાં 12 સપ્તાહ કરતાં વધારે રહેતાં કોરોનાના લક્ષણોથી પરેશાન થતાં લોકોની સંખ્યા વીસ લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાયું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોને લોંગ કોવિડ ગણવામાં આવે છે. દરમ્યાન યુએસમાં સિયેટલના એક સંશોધકે જે ગુમ થયેલી મનાય છે તે કોરોના વાઇરસની 13 જેનેટિક સિકવન્સ ગૂગલ ક્લાઉડમાંથી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે. એક વર્ષ અગાઉ વુહાનમાં કોરોનાના શરૂઆતના કેસોના 200થી વધારે સેમ્પલ્સમાંથી મેળવવામાં આવેલી જેનેટિક સિકવન્સ તેના ઓનલાઇન સાયન્ટિફિક ડેટાબેઝમાંથી ગાયબ થઇ ગઇ હતી.
આલ્ફા, બિટા, ગામા, ડેલ્ટા કોરોનાના આ ચાર રૂપે વિશ્વમાં મચાવ્યો કહેર
ચેપી ડેલ્ટા વેરિએન્ટ દુનિયાના 85 દેશોને પ્રસરી ગયો : WHOએ તેના સાપ્તાહિક અહેવાલમાં આપી ચેતવણી