જામનગર શહેરના ગાંધીનગર સ્મશાન નજીક આવેલા રહેણાંક મકાનમાં કોઇ કારણસર આગ લાગતા આ આગમાં ઘરમાં રહેલાં વૃધ્ધા ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને આગમાં મકાનની ઘરવખરી પણ સળગીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર સ્મશાન પાસેના વિસ્તારમાં આવેલા દિલીપસિંહ ખોડુભા જાડેજાના મકાનમાં આજે સવારના સમયે કોઇ કારણસર આગ લાગી હતી અને આ આગમાં ઘરનો સામાન પણ સળગવા લાગ્યો હતો તેમજ મકાનમાં રહેલા વસંતબા નામના આશરે 70 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતાં અને ઘટનાસ્થળે જ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું તેમજ આગ લાગ્યાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.