ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા કેન્દ્ર સરકાર હવે ઝડપથી લોકોના રસીકરણમાં લાગી ગઇ છે. યોગ દિવસના દિવસે જ દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. એ દિવસે 88 લાખ ડોઝ લગાવવાની સાથે જ ભારતમાં નવો રેકોર્ડ બન્યો હતો. આશા સેવાઇ રહી હતી કે રસીકરણની આ ગતિ ચાલુ રહેશે. જો કે મંગળવારે રાતના 10 વાગ્યા સુધીમાં ફકત 53 લાખ 40 હજાર ડોઝ જ લગાવી શકાયા હતા.
દેશમાં કુલ રસીકરણનો આંકડો 29 કરોડ ઉપર થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર 18-44 વર્ષના આયુ વર્ગમાં મંગળવારે રસીના 3,81,562 ડોઝ પહેલા ડોઝના રૂપમાં અને 71655 બીજા ડોઝ રૂપે અપાયા. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ આયુ વર્ગના 6,55,38,687 લોકોએ પહેલો ડોઝ મેળવી લીધો છે. જ્યારે 14,24,612 લોકોએ બંને ડોઝ મેળવી લીધા છે.
મંગળવારે રસીકરણનો આંકડો ઘટવા પાછળ કેટલાક વધુ વસ્તી ધરાવતા રાજ્યોનું ઢીલુ વલણ જવાબદાર ગણવામાં આવે છે. તાજા આંકડાઓ અનુસાર, મંગળવારે રસીકરણના આંકડાઓ રાજ્ય અનુસાર અલગ-અલગ રહ્યા.
મહારાષ્ટ્રમાં એ દિવસે પ.5 લાખ ડોઝ લગાવાયા તો યુપીમાં 7 લાખ ડોઝ મુકાયા. પણ છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ અને આંધ્રપ્રદેશ જેવા મોટી વસ્તીવાળા રાજ્યોમાં રસીકરણની ગતિ ઓછી રહી. આ બધા રાજ્યોમાં 1 લાખથી ઓછા અથવા થોડા વધારે ડોઝ જ લાગી શકયા. જ્યારે કેરળ અને આસામ જેવા રાજ્યોમાં રસીકરણની ગતિ જળવાઇ રહી છે. સોમવારે એક દિવસમાં 17 લાખ રસી મુકીને રાજ્યોની યાદીમાં પ્રથમ રહેનાર મધ્ય પ્રદેશમાં મંગળવારે ફકત 68,370 રસી અપાઇ હતી. જે એક દિવસમાં 96 ટકાનો ઘટાડો દર્શાવે છે. આવી જ રીતે હરિયાણામાં 75 ટકાનો ઘટાડો થયો છે. હરિયાણામાં સોમવારે 5,11,882 ડોઝ અપાયા હતા જ્યારે મંગળવારે 1,28,979 ડોઝ અપાયા હતા.
રસીકરણ ઉત્સવનો ઉત્સાહ બીજા દિવસે અડધો થઇ ગયો
સોમવારે 84 લાખ ડોઝ તો મંગળવારે 54 લાખ ડોઝ લાગ્યા: સરકાર પર ઇવેન્ટ મેનેજમેન્ટનો વિપક્ષનો આક્ષેપ