રાજકોટના કુચિયાદળ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટનો પરિવાર ચોટીલા પગપાળા ચાલી માનતા પૂરી કરવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહને બે લોકોને અડફેટે લેતા તેના મૃત્યુ નીપજ્યા છે. મૃતકોમાં જે 1વર્ષની બાળકીની માનતા હતી તેનું અને તેના કાકાનું મૃત્યુ નીપજ્યું છે. તેણીના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટના મિયાત્રા પરિવારના 4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રાત્રિના લગભગ 1થી 1.30 વાગ્યાના અરસામાં કુચિયાદળ ગામ નજીક અજાણ્યો વાહનચાલક તેને ઠોકર મારી નાશી છુટ્યો હતો. જેમાં 1વર્ષની માસુમ બાળકી નવ્યા તથા તેના કાકા રવિભાઈ મિયાત્રાનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે બાળકીના માતા-પિતા ઈજાગ્રસ્ત થતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એક ની એક દીકરીની માનતા રાખી હતી અને તે જ બાળકીનું મૃત્યુ નીપજતા પરિવાર આઘાતમાં છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.