જામનગર મહાપાલિકાની આરોગ્ય અને ગાર્ડન કમિટિના ચેરપર્સન નિયુક્ત થવા બદલ આપને અભિનંદન. પ્રવર્તમાન સમય લોકોના આરોગ્યને લઇને સૌથી કઠીન અને ચૂનૌતી ભર્યો છે. સો વર્ષ બાદ સમગ્ર વિશ્ર્વ કોરોના જેવી ભયાનક મહામારી સામે ઝઝમી રહ્યું છે, આપણું જામનગર શહેર પણ તેમાથી બાકાત નથી. ત્યારે આવા કપરા સમયમાં આરોગ્ય કમિટિની કપરી જવાબદારી માટે આપની નિયુકિત કરવામાં આવી છે. જાહેર આરોગ્યનો વિષય અત્યારે સાંપ્રત અને કટોકટી ભર્યો હોવાને કારણે પ્રથમ પત્ર આપને સંબોધીને લખવાનું ઉચિત જણાયું એટલે આ ખુલ્લો પત્ર પાઠવી રહ્યા છીએ.
આમ તો આપ જે કમિટિના ચેરપર્સન છો તે સહિતની તમામ કમિટિઓનું કોઈ લીગલ ઔચિત્ય નથી તે અમે જાણીએ છીએ. આ માત્ર એક ભલામણ કમિટિ છે કે, જેમની પાસે કોઈ નાણાંકિય સતાઓ પણ નથી. કોઈ લીગલ બંધનો કે જવાબદારી પણ નથી તે પણ અમે જાણીએ છીએ. પણ હા, નેતિક જવાબદારીઓ જરૂર બને છે.
અત્યાર સુધીના અનુભવના આધારે કહી શકાય કે આવી કમિટિઓ માત્ર ઔપચારિક બની રહી છે. ભાગ્યે જ કોઈ બેઠક યોજાય છે કે કોઈ ભલામણો કરાય છે ! હાલ કોરોનાકાળમાં આપની આરોગ્ય કમિટિનું મહત્વ ખુબ વધી જાય છે. જામનગર મહાપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રોની સ્થિતિથી તો આપ પરિચિત જ હશો. એક ટર્મનો ખાસ્સો અનુભવ પણ આપની પાસે છે જ અને આગામી અઢી વર્ષ સુધી આપ આ કમિટિના ચેરપર્સન રહેશો. આ સમય દરમિયાન લગભગ કોરોના પણ સાથે સાથે ચાલતો જ રહેશે. ત્યારે મહાપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક અને સતત ચૂસ્ત રહે તે માટે આપ અને આપની કમિટિના સભ્યો સતત પ્રયત્નશીલ રહે તે જરૂરી છે.
આરોગ્ય સાથે ગાર્ડન કમિટિના પણ આપને અધ્યક્ષા બનાવવામાં આવ્યા છે. જયાં સુધી અમારી જાણકારી છે આપ પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમી પણ છો અને શિક્ષિત પણ છો. છેલ્લાં પાંચ વર્ષથી ચકલીના માળા, પક્ષીને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવા જેવી પ્રવૃત્તિ પણ કરતાં રહો છો. ગાર્ડન પણ પ્રકૃતિ અને પર્યાવરણનો જ એક ભાગ છે. ત્યારે તેમાં આપની વિશેષ રૂચિ હોવી જોઈએ. શહેરના બાગ-બગીચાની હાલત કોઇ થી અજાણી નથી. બગીચાઓ, બગીચા ઓછા અને જંગલ વધુ લાગે છે, સુવિધાઓ અને સુંદરતાને બાર ગાઉનું છેટું છે, ફુવારાઓની હાલત દયનિય છે અરે જામ્યુકોના મહેકમમાંથી આખે આખો ગાર્ડન વિભાગ જ ગાયબ કરી દેવામાં આવ્યો છે પરંતુ કમિટિ યથાવત છે. સારી વાત છે.
આપની કમિટિના બંન્ને વિભાગો અને વિષયો ખુબ મહત્વના છે. ત્યારે આપની પાસે શહેરીજનોને સંનિષ્ઠ પ્રયાસોની અપેક્ષા છે. બીજુ કંઈ નહી તો કમ સે કમ કમિટિની નિયમિત બેઠક યોજવામાં આવે, તેમાં સમસ્યાઓ, મુશ્કેલીઓ, યોજનાઓ અને આયોજન અંગે ચર્ચા-વિચારણાં કરવામાં આવે અને એમાં કોઈ શહેરના હિતની વાત સામે આવે તો તેની સવિસ્તાર ભલામણ કરવામાં આવે. જો શકય હોય તો કમિટિની બેઠકની મિનિટસ અને કરવામાં આવતી ભલામણો જાહેર જનતા સમક્ષ પણ મુકવામાં આવે. આખરે તો કમિટિ શહેર માટે જ છે અને કમિટિની દરેક ભલામણ પ્રજા હિતની જ હશે ને… કમિટિ પાસે કોઈ સતા નથી તે સાચું પણ હકારાત્મ વિચારો અને આયોજનો રજુ કરતા કયાં કોઈ અટકાવી શકે છે? કંઈ થાય કે ન થાય પણ પ્રયાસો તો કર્યા ગણાશે! યાદ રાખજો લોકો જરૂર તેની નોંધ લેશે. જયાં અમારા સહકારની જરૂર પડે ત્યાં સહકાર આપવા અમે પણ તત્પર રહેશું.
અઢી વર્ષના કાર્યકાળ માટે આપ અને આપની કમિટિની તમામ સભ્યોને શુભેચ્છા.
- ‘ખબર ગુજરાત’