જામનગર તથા દ્વારકા જિલ્લાના જુદા-જુદા નાના બંદરોએ થોડાં થોડાં સમયે ઇંઘણનો ખાસ કરીને ડિઝલનો શંકાસ્પદ જથ્થો મળી આવતો હોય છે. ઘણાં કિસ્સાઓમાં આવા જથ્થાઓ સાથે પરચૂરણ શખ્સોની ધરપકડ પણ થતી હોય છે. પરંતુ હજુ સુધી કયારેય એ જાહેર થયું નથી કે, દરિયાની છાતી પર આ પ્રકારના કૌભાંડોનું સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે? અને ડિઝલ માફિયાઓ કોણ છે? એ અંગે કયારેય કોઇ જાણકારી બહાર આવતી નથી. પરંતુ કચ્છમાં કંઇક અલગ જ બન્યું છે. તંત્રએ કન્ટેઇનર કબ્જે કરી ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ પ્રકારના ગેરકાયદે કારોબારમાં બંદરોના અધિકારીઓ વગેરેની ભુમિકા કાયમ માટે શંકાસ્પદ જોવા મળતી હોય છે.પરંતુ ભાગ્યે જ કોઇ અધિકારીઓના નામો જાહેર થતાં હોય છે.
મુન્દ્રાના સ્થાનિક બંદર ઉપર ગ્લાઇકોર (લિક્વિડ)ની આડમાં કેરોસીન અને ડીઝલનો જથ્થો ઘુસાડતી ગેંગનો કસ્ટમ તંત્રે પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં 57 જેટલાં કન્ટેઇનર બંદર સ્થિત એક્ઝિમ સી.એફ.એસ. અને એમ.આઇ.સી.ટી.ના સી.એફ.એસ.માં સીઝ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 40 જેટલાં કન્ટેઇનરને દિલ્હી ખાતે સીઝ કરી દેવામાં આવ્યાં છે.
મુન્દ્રા કસ્ટમના ડે.કમિશનર અનુપસિંધની સૂચનાથી સ્થાનિક એસ.આઇ.આઇ.બી.ની ટીમે જહાજમાંથી ઉતરતાની સાથે તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ કન્ટેઇનરોને અલગ રાખી તેમાં રહેલા કાર્ગોના નમૂના કસ્ટમ લેબ-કંડલા ખાતે મોકલ્યા હતા, જેમાં આઠ જેટલાં ટેન્ક ક્ન્ટેઇનરોનો રિપોર્ટ કેરોસીન તથા બાકીના 49 ક્ન્ટેઇનરોમાં રહેલા કાર્ગોના સેમ્પલ ડીઝલનો આવ્યો છે. આમ, ડીક્લેર કાર્ગો ગ્લાઇકોર લિક્વિડ હતો, પરંતુ તેમાંથી પ્રતિબંધિત ડીઝલ અને કેરોસીન મગાવવામાં આવ્યું છે.
ઝડપી લેવાયેલા કાર્ગોની કિંમત અંદાજે રૂા. 70 કરોડ જેટલી થાય છે. આ કાર્ગા મગાવનાર પાર્ટીઓ (આયાતકાર) દિલ્હી, બાગપત અને ફરિદાબાદની છે. આ માલ મુંદરા પોર્ટથી ટ્રેન મારફતે તુઘલખાબાદ આઇ.સી.ડી.માં જવાનો હતો અને ત્યાં ક્લીયર થવાનો હતો, પણ સ્થાનિકની એસ.આઇ.આઈઇ.બી.એ આ કારસ્તાનને ઝડપી લીધું છે.
પ્રતિબંધિત ડીઝલ-કેરોસીન ભારત સરકારની પેટ્રોલિયમ કંપનીઓ જ મગાવી શકે. આમ, પેટ્રોલિયમ એક્ટ- 1976 અને કસ્ટમ એક્ટ હેઠળકાર્યવાહી કરવામાં આવી છે. મુંદરા પોર્ટ ઉપર વર્ષોથી આ પ્રતિબંધિત પેટ્રોલ – ડીઝલ – કેરોસીનના ધંધાનો કારોબાર ચાલે છે, જે અત્યાર સુધીમાં બેઝ ઓઇલ, સ્લઝ ઓઇલ અને વેસ્ટ ઓઇલ જેવાં નામે પૂરબહારમાં ચાલે છે. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે મુન્દ્રા, ગાંધીધામ, ભુજ ઉપરાંત હવે દિલ્હી તુધલખાબાદ અને પાનીપતનાં નામો પણ જોડાયાં છે.
દુબઇથી ટેન્ક ક્ન્ટેઇનરોમાં આ માલ મગાવવામાં આવે છે, પણ તે પહેલાં કસ્ટમ તંત્રના અમુક ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ કરી માલના સેમ્પલ કંડલાની લેબોરેટરીમાં મોક્લવામાં આવે છે. જ્યાં સેટિંગ કરી જરૂરી રિપોર્ટ એ જ દિવસે મગાવી સફળતાપૂર્વક માલને બહાર કાઢી જવામાં આવે છે. કંડલા લેબ કેટલાંય વર્ષોથી શંકાના દાયરામાં છે અને કાયમ વિવાદનું કેન્દ્ર બની છે.
આ ગોરખ ધંધામાં ગાંધીધામના પાંશ અને મુન્દ્રાના ચાર મળી લગભગ નવ જેટલા કસ્ટમ એજન્ટની ભૂમિકા હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં આવા એજન્ટો સામે ધણા કેસો થયા છે, છતા માંથી કિંયતની કારો લઇને મુંદરા આવતા લોકા સહેલાઈથી ગમે તે ઓફિસરની કેબિનમાં ધૂસી જઇ નોટોનાં બંડલ પકડાવી પોતાનું કામ કરાવી જાય છે. ટૂંકમાં, આ કારોબારમાં જોડાયેલી ગેંગને કંડલા-મુન્દ્રામાં ફરજ બજાવી ગયેલા એક અધિકારીના આશીર્વાદ હોવાનું મનાય છે. અધિકારીને છેવટે જાણ થાય છે અને વચલો રસ્તો કાઢી માલ હમેશાં છોડાવી લેવામાં સફળતા મળે છે.
મિસડિકલરેશન કાર્ગો ફક્ત મુન્દ્રા બંદર ઉપર જ કેમ આવે છે ? તો જવાબ આપતાં સૂત્રો જણાવે છે કે કસ્ટમ તેમના કેટલાક પલળેલા અધિકારીઓ માલ મુન્દ્રા મંગાવાનુ ઇજન આપે છે. તાજેતરમાં મુન્દ્રા ખાતે ફરજ બજાવી રહેલા એક અધિકારીની અનેક ફરિવાદો બાદ તેની તાત્કાલિક અસરથી તેની કંડલા ખાતે બદલી કરી… પણ ત્યાં પણ એક પ્રકરણમાં 50 લાખ રૂા. જેટલી રેકમ માગતાં આયાતકારે દિલ્હી મિનિસ્ટ્રીમાં ફરિયાદ કરતાં ચીફ કમિશનરે તાત્કાલિક કંડલા ધસી જઇ ભ્રષ્ટ અધિકારી પાસેથી નામ માત્રનો એક ચાર્જ લઇ સંતોષ માન્યો હતો.
મુન્દ્રા ક્સ્ટમમાં દાણચોરીમાં સંકળાયેલા કસ્ટમ એજન્ટો સાથે અનેક કેસો છે, છતાય તેના લાયસન્સ રદ કરતા નથી કે ધાક બેસાડતી સજા કરવામાં આવતી નથી.
ઇંધણોમાં પણ ગેરકાયદે કારોબાર : મુન્દ્રા કનેકશન
નોટોના થોકડાનો ઘા કરીને, ગમે તે પ્રકારના કામો કરાવી શકાય છે !