Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખબર વિશેષ: જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ સમસ્યાઓથી ભારે પરેશાન !

ખબર વિશેષ: જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ સમસ્યાઓથી ભારે પરેશાન !

- Advertisement -

જામનગરમાં બ્રાસપાર્ટના ઘણાં બધા વેપારીઓના બેંક ખાતા વેરાતંત્ર દ્વારા એટેચ કરવામાં આવી રહ્યા છે. જૂની વસૂલાતની ઉઘરાણી કડક રીતે કરવામાં આવી રહી છે. 2016-17 તથા 2017-18 ની આકારણીઓમાં મોટા પ્રમાણમા કેન્દ્રિય કાયદા હેઠળ મોટું માંગણું થયું છે ઊભું, વેટ હેઠળ રિફંડ સામે એડજસ્ટ કરવાંના બદલે કરવામાં આવી રહી છે આકરી વસૂલાત.
01 જુલાઇથી 2017 થી જી.એસ.ટી કાયદો સમગ્ર દેશમાં લાગુ થતાં ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ કાયદો (વેટ કાયદો) પેટ્રોલ-ડીઝલ જેવી ચીજવસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ માટે ભૂતકાળ બની ગયો છે તેમ કહી શકાય. કોરોનાના આ વિકટ સમયમાં ગુજરાત રાજ્યના વેપારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી સરળતા સાથે આકારણીની યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના હેઠળ મોટાભાગના નાના કરદાતાઓને આકારણીમાંથી મુક્તિ આપવા સાથે અનેક રાહતો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ તરફના પગલાં તરીકે ઉઠાવવામાં આવેલ આ જાહેરાતને સમગ્ર રાજ્યમાંના વેપાર-ઉદ્યોગ દ્વારા આવકારવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે આ યોજનાનો અમલ કરી આકારણીઓ આદેશ પસાર કરવામાં આવ્યા છે ત્યારે વેપાર ઉદ્યોગ જગત આ યોજનાને ભ્રામક ગણી રહ્યા હોય તેવી માહિતી મળી રહી છે.

જામનગરની વાત કરીએ તો બ્રાસ પાર્ટ ઉદ્યોગએ શહેર અને જિલ્લાની ધોરી નસ સમાન ગણી શકાય. કોરોના સંકટના કારણે આ ઉદ્યોગ ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હવે પડ્યા પર પાટુ જેવા હાલ થઈ રહ્યા છે જ્યારે વેટ ડિપાર્ટમેંટ દ્વારા અનેક બ્રાસપાર્ટ ઉદ્યોગ સામે કેન્દ્રિય વેચાણ વેરા હેઠળ મસ મોટા માંગણા ઊભા કરવામાં આવ્યા છે. વિશ્વાસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરમાં અંદાજે 6000 જેટલા નાના-મોટા કારખાના આવેલા છે. મોટાભાગના કારખાનાઓનું મોટાભાગનું વેચાણ આંતરરાજ્ય થતું હોય છે. આમ, તેઓ કેન્દ્રિય વેચાણ વેરા હેઠળ ટેક્સ ભરવા જવાબદાર થતાં હોય છે જ્યારે સ્થાનિક વેટ કાયદા હેઠળ તેઓનું રિફંડ ઉપસ્થિત થતું હોય છે. 2016-17 અને 2017-18 ની આકારણીઓમાં સી-ફોર્મ ના અભાવે ખૂબ મોટા પ્રમાણમા આવા કારખાનાઓ ઉપર મોટુ માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે. આ પૈકી મોટાભાગના વેપારીઓ એવા છે કે જેમના વેટ કાયદા હેઠળ રિફંડ પણ ઉપસ્થિત થયા છે. વેટ કાયદા હેઠળ ઉપસ્થિત થયેલ રિફંડ સામે કેન્દ્રિય કાયદાની માંગણાની રકમ એડજસ્ટ કરવાની તસ્દી લીધા સિવાય કેન્દ્રિય કાયદા હેઠળની માંગણાની રકમ વસૂલાત કરવાંની કામગીરી હાલ વેટ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી પણ મળી રહી છે. વેપારીના બેન્ક ખાતા વેટ ડિપાર્ટમેંટ તરફથી એટેચ કરી દેવામાં આવ્યા છે. ટેક્સ પ્રોફેશનલ્સમાં તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ પ્રકારે થયેલા આકારણી આદેશ પૈકી 50% જેવા આદેશ તો વેટ કે કેન્દ્રિય વેચાણ વેરા કાયદામાં પ્રાસ્થાપિત નિયમો મુજબ બજાવવામાં પણ આવ્યા નથી. કોરોના કાળમાં ભયંકર મંદીનો સામનો કરી રહેલા બ્રાસપાર્ટ ઉદ્યોગ માટે દુષ્કાળમાં અધિક માસ હોય તેવા હાલ થઈ રહ્યા છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ બાબતે રજૂઆતનો દોર સતત ચાલુ છે. અનેક વેપારીઓઓ આ વસૂલાતની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવાના મૂડમાં હોય તેવી માહિતી મળી રહી છે. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે કાયદા હેઠળ અધિકારીને આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરી જે વેપારીઓના કેસમાં કેન્દ્રિય કાયદા હેઠળની ડિમાન્ડ ઊભી થઈ છે અને તેની સામે સ્થાનિક વેટ કાયદામાં રિફંડ ઊભું થયું હોય તેવા કિસ્સામાં સૌપ્રથમ આ ડિમાન્ડ સામે રિફંડની માંડવાળ કરવામાં આવે. આ માંડવાળ કર્યા બાદ જે બાકી રહેતી માંગણાની રકમ હોય તેનીજ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત કોઈ પણ વસૂલાતની કામગીરી કર્યા પહેલા આકારણી આદેશ વેપારીને બજી ગયો છે અને આ રકમ ભરવાં કાયદા મુજબનો સમય વેપારીને માટે મળે છે તે પૂરો થાય પછીજ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ માં અગ્ર હરોળમાં આવતા ગુજરાત રાજ્યની છબી આ પ્રકારની કાર્યવાહીથી ખરડાઇ રહી હોવાની છબી ઉપસ્થિત થઇ રહી હોવાની લાગણી વેપારીઓમાં ફેલાઈ રહી છે. (ભવ્ય પોપટ-લીગલ ડેસ્ક, ખબર ગુજરાત)

‘ખબર ગુજરાત’ દ્વારા આજે શુક્રવારે બપોરે જામનગરના વેટ વિભાગના ડે.કમિશ્ર્નર જે.એચ.નિનામા સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું છે કે, વેટના રિફંડ અંગે રાજયના કમિશ્ર્નરની સુચના પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે અને કેન્દ્રીય કાયદા હેઠળ બાકી રહેતાં સીએસટીની વસુલાત નિયમો મુજબ થઇ રહી છે. તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી નથી. પરંતુ તેમ છતાં જો કોઇ એકલ દોકલ કિસ્સામાં કોઇ અધિકારી દ્વારા વેપારી કે ઉદ્યોગપતિ સાથે અયોગ્ય વર્તન થયું હશે અને તેવું જાણમાં આવશે તો તે અંગે સંબંધિત અધિકારીને કડક સુચના આપવામાં આવશે. આ ઉપરાંત તંત્ર દ્વારા તમામ અધિકારીઓને એ સુચના આપવામાં આવી છે કે, નોટિસની સમય મર્યાદા પૂર્વે કોઇ પણ વેપારી કે ઉદ્યોગપતિને વસૂલાત અંગે બિનજરૂરી રીતે દબાણ કરવામાં ન આવે. વેપારીઓએ અથવા ઉદ્યોગપતિઓએ ભયભીત થવાની જરૂર નથી.

આ ઉપરાંત ‘ખબર ગુજરાત’ દ્વારા જામનગર ફેકટરી એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા સાથે પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવી છે. તેઓએ ઉદ્યોગપતિઓ વતી એવી લાગણી વ્યકત કરી છે કે, તંત્રએ વેરા વસૂલાતમાં દાદાગીરી પ્રકારની કડક ઉઘરાણી ન કરવી જોઇએ. છેલ્લાં એક દોઢ મહિનામાં પિતળના ભંગારનો ભાવ પ્રતિકિલો 50 રૂા. વધી ગયો છે, મોંઘવારી કાળઝાળ છે અને કોરોના મહામારી તથા લોકડાઉનના કારણે ભીંસાયેલા બ્રાસપાર્ટ ઉદ્યોગમાં હાલમાં ધંધો કરવો પણ મુમકિન નથી એવા સંજોગોમાં તંત્રએ યોગ્ય રીતે અને વ્યાજબી કાર્યવાહીઓ કરવાનું વલણ દાખવવું જોઇએ એવી ઉદ્યોગપતિઓની લાગણી અને માંગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular