Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનગરનો ટાઉનહોલ આખરે પોલીસના ચોપડે ચિતરાયો !

નગરનો ટાઉનહોલ આખરે પોલીસના ચોપડે ચિતરાયો !

‘સાવન હી આગ લગાયે’ રાજેશ ખન્નાના ગીતની આ પંક્તિ ટાઉનહોલના દારૂ પ્રકરણમાં સાચી પુરવાર થઇ !

- Advertisement -

ગુજરાત સરકારના કાયદા અને ચોપડાં મુજબ રાજયમાં દારૂબંધી છે. રાજયના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ઘણી વખત એમ પણ બોલ્યા છે કે, રાજયમાં દારૂબંધીના સખત અમલ માટે સરકાર કટિબધ્ધ છે. દારૂના દુષણને નાથવા સરકારે કાયદો પણ કડક કર્યો છે. કડક કાયદાનો અમલ ઢીલો છે,એ જો કે, અલગ મુદ્દો છે. દારૂબંધીના કાયદાનો અમલ એટલી હદે ઢીલો છે કે, ગુજરાતના કોઇપણ શહેરમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં, કોઇ પણ ઋતુમાં કોઇપણ સમયે તમે મોબાઇલમાં કોઇ ચોકકસ નંબર ડાયલ કરી, દારૂની હોમ ડિલેવરી ગાંધીના આ ગુજરાતમાં મેળવી શકાય છે. એ વાત કોઇથી પણ છાની નથી.

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પણ દારૂની મહેફિલો અને ડિલેવરી થતી રહેતી હોય છે. આરોગ્ય કેન્દ્ર કે, હોસ્પિટલમાં પણ દારૂ પીવાતો હોય એ અંગે કોઇ વાત કરે તો કોઇને નવીન લાગતું નથી. દાખલા તરીકે જામનગરના ટાઉન હોલમાં શરાબની મહેફીલ અવારનવાર યોજાય છે એવી વાત થી શહેરમાં કોઇને આશ્ર્ચર્ય થતું નથી. નસીબજોગે અથવા કોઇ કારણસર નગરના ટાઉનહોલમાં શરાબની મહેફીલ ઝડપાઇ ગઇ છે.

રાજેશ ખન્નાના પ્રખ્યાત ગીતની પંક્તિ ‘સાવન હી આગ લગાયે’ માફક ટાઉનહોલનો ઇન્ચાર્જ ખુદ શરાબની મહેફિલમાં ઝડપાઇ ગયો છે.

જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 16મી જૂને રાત્રે 9:40 એ નોંધાયેલી એફઆઇઆર જણાવે છે કે, ટાઉનહોલમાં 6 શખ્સો શરાબની મહેફિલમાં બેઠાં હતાં અને અચાનક પોલીસ પ્રગટ થઇ. જો કે, આ 6 કાઠિયાવાડી જણ જે સ્થળે બેઠાં હતાં ત્યાંથી પોલીસને માત્ર 200 એમએલ શરાબ મળ્યો છે. એ અલગ મુદ્દો છે. ટાઉનહોલના આ શરાબ પ્રકરણ અંગે જે 6 શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકી લલીત રમણીકભાઇ કણઝારિયા(ગુલાબનગર પોસ્ટ ઓફિસની પાછળ), કમલેશ રણછોડદાસ માંડવિયા (દિગ્વિજય પ્લોટ-31)અને પ્રકાશસિંહ મહોબ્બતસિંહ ગોહિલ(મુળજીજેઠા ધર્મશાળાની સામે, માધવ બાગ, શિવમ્ રેસીડેન્સી ફલેટ નં.303) નામના ત્રણ શખ્સો જામનગર મહાનગરપાલિકાના કર્મચારી છે. આ ત્રણ પૈકી પ્રકાશસિંહ ટાઉનહોલનો ઇન્ચાર્જ છે. હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બિપિન ભગવાનજી ચુડાસમા(પંજાબ નેશનલ બેંક પાસે, ચૌહાણ ફળી શેરી નં.3) નામનો શખ્સ નિવૃત કર્મચારી છે અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા(રામેશ્ર્વરનગર, કે.પી.શાહની વાળી પાછળ, નંદન પાર્ક શેરી નં.1) કોન્ટ્રાકટર છે તથા છઠ્ઠો શખ્સ જીજ્ઞેશ નાનજીભાઇ જોષી(પતંગિયાફળી, ગણેશ મેટલ પાસે, સેન્ટ્રલ બેંક) વેપારી છે અને સેન્ટ્રલ બેંક વિસ્તારમાં દૂકાન ધરાવે છે.

ટાઉનહોલના આ પ્રકરણ અંગે ગુરૂવારે સાંજે બે વખત અને શુક્રવારે સવારે આજે એકવખત એમ કુલ ત્રણ વખત ડે.મ્યુ.કમિશ્ર્નરને ‘ખબર ગુજરાત’ દ્વારા ફોન કરવામાં આવ્યાં હતાં. પરંતુ તેઓ વ્યસ્ત હોવાને કારણે ફોન રિસિવ કરી શકયા ન હતાં. હાલમાં કમિશ્ર્નરની જગ્યા ખાલી છે. આ ઉપરાંત ‘ખબર ગુજરાત’ દ્વારા મેયર બિનાબેન કોઠારીને ફોન કરવામાં આવ્યો હતો. તેઓ એ આ પ્રકરણ અંગે પ્રતિભાવ આપવા જણાવ્યું છે કે, મહાનગર પાલિકા સંચાલિત ટાઉનહોલમાં આ પ્રકારની કોઇ પણ પ્રવૃતિ કોઇપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. મેયર ના આ આકરા પ્રતિભાવને કારણે એવું સમજાઇ રહ્યું છે કે, આગામી દિવસોમાં કોર્પોરેશન પોતાના આ ત્રણ આરોપી કર્મચારીઓ વિરૂધ્ધ કડક પગલાં ભરશે.

શહેરનો મહાનગરપાલિકા સંચાલિત ટાઉન પ્રતિષ્ઠિત સ્થળ લેખાય. આ સ્થળે મહાનુભાવો પધારતા હોય છે. સરકારી અને સેવાકિય કાર્યક્રમો યોજાતા હોય છે. આવા આબરૂદાર સ્થળે કાયદો તોડવાની માનસિકતા ધરાવતાં શખ્સો દારૂની મહેફિલ યોજે તે કોઇપણ સંજોગોમાં અથવા કોઇ પણ અર્થમાં વ્યાજબી ન લેખાય. આપણે સૌ અપેક્ષા રાખીએ કે, મેયર અને કોર્પોરેશન આ પ્રકરણમાં સંડોવાયેલા કોર્પોરેશનના કર્મચારીઓ વિરૂધ્ધ દાખલારૂપ પગલાં લેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular