Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆરાના ચકચારી હત્યા કેસમાં એક સાથે 10ને ફાંસીની સજા

આરાના ચકચારી હત્યા કેસમાં એક સાથે 10ને ફાંસીની સજા

2018માં 10 લાખની ખંડણી નહીં આપતાં વેપારીની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી

- Advertisement -

બિહારમાં આરા શહેરના ચર્ચિત બૈગ કારોબારી ઇમરાન ખાનની હત્યાના કેસમાં સ્થાનિક કોર્ટે સોમવારે કુખ્યાત ખુર્શીદ કુરેશી સહિત 10 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. અલગ અલગ કલમોના આધારે આ સજા ઉપરાંત 2.60 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરાના એડીજે 9 મનોજ કુમારે આ સજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપી હતી.

- Advertisement -

દોષીતોમાં ખુર્શીદ કુરેશીનો ભાઇ અબદુલ્લા પણ સામેલ છે. નવમી માર્ચે જ આ આરોપીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે બધા જ આરોપીઓને હત્યા, અપરાધીક કાવતરૂ, આર્મ્સ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ દોષીત ઠેરવ્યા હતા. નોંધનીય છે કે ડિસેમ્બર 2018ના રોજ ધોળા દિવસે આરાના ધર્મન ચોક વિસ્તારમાં આવેલી શોભા માર્કેટમાં અપરાધીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં દુધ કટોરા નિવાસી બેગ કારોબારી ઇમરાન ખાનનું મોત નિપજ્યું હતું.

ઇમરાનના ભાઇ અકીલ અહેમદ અને એક બીએસએનએલકર્મી પણ ગોળી વાગવાથી ઘાયલ થઇ ગયા હતા. જેને લઇને અકીલ અહમદના નિવેદન પર ટાઉન પોલીસ સ્ટેશનમાં ખુર્શીદ કુરૈશી અને તેના ભાઇ સહિત અન્યોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 10 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી, જે આપવાનો ઇનકાર કરતા અપરાધીઓએ ઇમરાન અને તેના ભાઇ પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં ઇમરાનનું મોત થયું હતું અને તેના અન્ય સાથીઓ ઘવાયા હતા. આરાની કોર્ટે કલમ 387/34, 302/34, 120(બી) તેમજ આર્મ્સ એક્ટ અંતર્ગત ખુર્શીદ કુરેશી અને તેના ભાઇ અબ્દુલ્લા કુરેશી, નજીરગંજના રાજુ ખાન, રૌજા મોહલ્લાના અનવર કુરેશી, અહમદ મિંયા, બબલી મિયાં, તૌશિફ આલમ તેમજ કુચન ઉર્ફ ફુકન મિયાં, ગુડ્ડુ મિયાં વગેરેને દોષીત ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારી હતી. ફાંસીની સજાની સાથે કોર્ટે 2.60 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.

- Advertisement -

કુખ્યાત ખુર્શીદ કુરેશીએ જે વિસ્તારમાં ગોળીબાર કરી હત્યા કરી હતી ત્યાં આવેલા માર્કેટ પર પોતાનો કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને વેપારીઓ પાસેથી હપ્તા વસુલી કરતો હતો. જે વેપારીની હત્યા કરવામાં આવી તેણે ખંડણી આપવાની ના પાડી દીધી હતી જેને પગલે તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર આરા શહેરમાં ભયનો માહોલ હતો અને પ્રશાસન પર કાર્યવાહી માટે દબાણ પણ વધ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular