યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સન લોકડાઉનને હટાવવા માટે નક્કી કરેલી તારીખ 21 જુનને બદલે હવે 19 જુલાઇએ લોકડાઉનનો અંત લાવવાની જાહેરાત કરી છે. ડેલ્ટા વેરીએન્ટના રવિવારે 7,490 કેસો નોંધાવાને પગલે નિષ્ણાતોને ડર છે કે આગામી સપ્તાહોમાં હોસ્પિટલાઝેશન વધશે. બીજી તરફ લોકડાઉન ઓગસ્ટ સુધી લંબાવવાની આશંકાને પગલે એન્ટી લોકડાઉન અને એન્ટી વેક્સિન લોકોએ માસ્ક પહેર્યા વિના જ સરકારના સૂચિત નિર્ણયનો વિરોધ કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રેલી કાઢી હતી. આ દેખાવકારોએ માસ્ક પહેરવાનું અને ટેસ્ટિંગ કરવાનું બંધ કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે મિડિયા વાઇરસ છે. બીજી તરફ વિજ્ઞાાનીઓ અને આરોગ્ય અધિકારીઓએ કોરોના નિયંત્રણો હટાવવાના કાર્યક્રમને વિલંબમાં મુકવાની માગણી કરી રસીકરણને વધારે વ્યાપક બનાવવા પર ભાર મુક્યો હતો.
બીજી તરફ જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાને સલામત રીતે ઓલિમ્પિક યોજવા માટે યુએસના પ્રમુખ જો બાઇડન અને અન્ય જી સેવન દેશોના નેતાઓએ ટેકો જાહેર કર્યો છે. કોરોના મહામારી છતાં હવે પાંચ સપ્તાહની અંદર જાપાનમાં ઓલિમ્પિક્સ યોજાશે. જી સેવન દેશોએ નિવેદન બહાર પાડી ઓલિમ્પિકસ યોજવા માટે જાપાનને ફરી ટેકો આપવાનું દોહરાવ્યું હતું. દરમ્યાન ચીને ભારે અસરકારક ચીની કોરોના રસી લેવા માટે તાઇવાનીઓેને આગ્રહ કરતાં ચીની રસી લેવા આડેના અવરોધો દૂર કરવા જણાવ્યું હતું. ચીન તાઇવાનને તેનો પ્રદેશ ગણાવે છે અને વારંવાર તેની કોરોના રસી મોકલવાનો પ્રયાસ કરે છે. તાઇવાન કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે પણ તેને ચીની કોરોના રસીની સલામતિ બાબતે શંકા હોવાથી તેની રસીને મંજૂરી આપી નથી. ચીનમાં આશરે 62,000 તાઇવાનીઓને 31મે સુધીમાં કોરોનાની રસી આપી દેવામાં આવી હતી. યુકેમાં કોરોના નિયંત્રણો હટાવવાનું એક મહિના માટે વિલંબમાં મુકાયું છે ત્યારે યુરોપમાં ફ્રાન્સ, જર્મની અને ઇટાલીમાં ચેપનો દર ઘટી રહ્યો હોવાને પગલે કોરોના નિયંત્રણો હટાવવાની શરૂઆત થઇ ગઇ છે. ફ્રાન્સમાં ત્રીજા તબક્કાની છૂટ આપવામાં આવી રહી છે તો ઇટાલીના તમામ પ્રદેશને જુનના અંત સુધીમાં ઓછા જોખમી જાહેર કરવામાં આવશે.