ફોરેક્ષ રિઝર્વ એટલે કે, વિદેશી હૂંડિયામણનો અનામત ભંડાર મેક્રો ઇકોનોમિક સ્થિરતા લાવવામાં ખૂબ મદદ કરે છે. ભારત સાથે એકવાર ખાસ છે કે, આપણે નિકાસની દ્રષ્ટિએ સરપ્લસ દેશ નથી. વિદેશી રોકાણમાં જોરદાર વૃધ્ધિને કારણે આપણો ભંડાર ભરાઇ રહ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ પ્રમાણે ભારતનું અનામત વિદેશી હૂંડિયામણ 605 અબજ ડોલરને વટાવી ગયું છે. તેની પાછળનું કારણ એ છે કે, ભારતમાં તાજેતરમાં પુષ્કળ વિદેશી ચલણ આવ્યું છે. જે કુલ મુદ્રા ભંડારમાં મહત્વનું હોય છે. આ ભંડારના કદની દ્રષ્ટિએ નવા વિક્રમ સાથે ભારત રશિયાને પાછળ છોડી ચોથા ક્રમનો દેશ બની ગયો છે.
વિદેશી મૃદ્રા ભંડારને કારણે દેશની મેક્રો ઇકોનોમિક સ્થિરતા વધી છે. આપણે 18 મહિના સુધી આયાતો કરી શકિએ એટલા ડોલર આપણી પાસે જમા છે. 1991ની સાલમાં આપણી પાસે માત્ર 15 દિવસ સુધી આયાતો થઇ શકે એટલાં ડોલર હતાં. આ પ્રકારનું હુંડિયામણ ક્રૂડની આયાત, ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિકના ક્ષેત્રોમાં મદદરૂપ થઇ શકે છે. તેમાં વેક્સિન, સ્ટિલ અને વાહનોના પાર્ટસનો પણ સમાવેશ થાય છેે. આ બધી બાબતો વચ્ચે પ્રશ્ર્ન એ પણ છે કે, મોટા પ્રમાણમાં ડોલર જમા થવાથી કોઇ નુકસાન થાય છે કે કેમ?
વિશ્ર્વની અન્ય સેન્ટ્રલ બેંકની વાત કરીએ તો ચીન, રશિયા, સાઉદી અરેબિયા અને જાપાનની બેંકો પુષ્કળ ડોલર જમા કરે છે. જોકે, ભારતની સાથે ખાસવાત એ છે કે, આપણે નિકાસમાં સરપ્લસ દેશ નથી. જે દેશોમાં નિકાસ વધારે હોય ત્યાં ડોલર જમા થતાં હોય છે. આપણાં દેશની સ્થિતિ ઉલ્ટી છે. આપણાં દેશમાં એક તરફ ખાધ વધારે છે. બીજીબાજુ આપણે નિકાસ કરતાં આયાત વધારે કરીએ છીએ.આ સ્થિતિમાં આપણું અનામત વિદેશી હુંડિયામણ કઇ રીતે વધી શકે? તેનો જવાબ એ છે કે, એફપીઆઇ અને એફડી આઇના માધ્યમથી ભારતમાં ડોલર ઠલવાઇ રહ્યા છે. અત્રે એ પણ નોંધનીય છે કે, કોઇ પણ દેશના શેરબજારમાં થયેલું વિદેશી રોકાણ ગમે ત્યારે પાછું ખેંચાઇ શકે છે.
ભારતનો સોનાનો ભંડાર 50.2 અબજ ડોલરનો હતો. તે હવે ઘટીને 37.60 અબજ ડોલર રહ્યો છે. આઇએમએફમાં આપણું અનામત ભંડોળ માત્ર 5 અબજ ડોલર છે.