જામનગરથી 14 કિ.મી. દૂર આવેલ વાત્સલ્યધામ ખાતે ઓક્સિજન પાર્ક બનાવવા આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઓક્સિજન પાર્કમાં આયુ.માં ઉપયોગી એવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. વસઇ ગામ ખાતે આવેલ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ 10 વર્ષથી કાર્યરત છે. કોરોનાની મહામારીમાં કોરોના પીડીત વ્યક્તિને ઓક્સિજન માટે ખૂબ જ રખડવુ પડયું છે. ખૂબ જ પીડા સહન કરવી પડી છે. જેને ધ્યાને લઇ વધુ ઓક્સિજન મળે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરુરી બન્યા છે. વાત્સલ્યધામમાં દોઢ વર્ષના કોરોનાકાળમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. જે ત્યાંની હરિયાળીને આભારી છે. આથી ભવિષ્યને ધ્યાને લઇ વાત્સલ્ય ધામને આજુબાજુના વિસ્તારને વિશાળ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ ઓક્સિજન આપે તેવા 1100 વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે. અહીં બર્ડ ફિડીંગ બનાવી રહ્યાં છે. જેમાં એવા વૃક્ષોનો ઉછેર થશે કે જે પક્ષીઓને ખોરાક આપી શકે અને 5000 જેટલા પક્ષીઓ નિવાશ કરી શકે અને તેમના માટે ચણ અને પાણીની વ્યવસ્થા થશે. આ ઓક્સિજન પાર્કમાં આયુર્વેદને ઉપયોગી લીમડો, અરડુસી, પારિજાત, જાંબુ, સરગવો, દાડમ, પપૈયાનું ઝાડ જેવા વૃક્ષો હશે. આ ઉપરાંત ફૂલોનો વરસાદ કરે તેવા ગુલમ્હોર, વસંત, ગરમાડો તેમજ વડલો, પીપળો, ઉમરો, પીપર, આશોપાલવ, બિલી, કરજ, રાવળ, ખિજડો જેવા વૃક્ષો હશે. આ વૃક્ષોની સારી માવજત થાય તે માટે કાટાળી વાડની ફેન્સીંગ કરી છે અને પુરતુ પાણી મળી રહે તે માટે ડીપ ઇરિગેશન (ટપક પધ્ધતિ)ની વ્યવસ્થા કરી છે. તેમજ ઓર્ગેનિક ખાતરની પણ વ્યવસ્થા કરાઇ છે. આ ઓક્સિજન પાર્કની આર્કિટેકચર ડિઝાઇન મેનેજીંગ ટ્રસ્ટી ભાસ્કરભાઇ રાઠોડ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાઇ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં વાત્સલ્યધામના પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર, એડવોકેટ નિતલભાઇ ધ્રુવ, ભાસ્કરભાઇ રાઠોડ તેમજ કારોબારી કમિટીના ઉપેન્દ્રસિંહ જાડેજા, નિરજંનાબેન વિઠ્ઠલાણી, ચેતન ચુડાસમા, કિરીટભાઇ મજીઠીયા, કૈલાશ બદિયાણી, મુકેશ શર્મા, ધ્રુપદ પરમાર, જેમિનીબેન મોટાણી, અશોક શેઠીયા, પી.આર. સોમાણી, લલીત જોશી, મૂકેશ સાયાણી વગેરે તેમજ વસઇના સરપંચ સંગીતાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.