પેટ્રોલ-ડીઝલથી સંચાલિત વાહનો ચલાવવા મોંઘા થઇ રહ્યા છે ત્યારે લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રીક વ્હિકલ ખરીદે તે માટે કેન્દ્ર સરકારે ઇન્સેન્ટિવ વધાર્યુ છે. ઇન્સેન્ટિવ વધતા આગામી સમયમાં ઇલેક્ટ્રીક વ્હિકલ ખરીદવા વધુ સસ્તા થશે.
ઇલેક્ટ્રીક ટુ વ્હિકલ માટે શરૂ કરાયેલી સબસિડી સ્કીમને મળી રહેલા નબળા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આવા વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઇન્સેન્ટિવ વધારવાનો નિર્ણય લીધો છે. FAME ઇન્ડિયા ફેઝ-2માં કરાયેલા નવા ફેરફારો મુજબ ઇલેક્ટ્રીક ટુ-વ્હિકલ પર મળતી ડિમાન્ડ ઇન્સેન્ટિવને 10000 રૂપિયા પ્રતિ યુનિટથી વધારીને 15000 રૂપિયા કરી દીધી છે. આવી રીતે ઇલેક્ટ્રીક ટુ-વ્હિકલ પર લાગુ ઇન્સેન્ટિવ મર્યાદાને તેની કુલ કિંમતથી 20 ટકા વધારીને 40 ટકા કરી દીધી છે. ઇલેક્ટ્રીક વ્હિકલ બનાવતી કંપનીઓનું કહ્યુ કે, સરકારના આ નિર્ણયને પગલે ઇલેક્ટ્રીક ટુ વ્હિકલ પર 14500 રૂપિયા સુધીની વધુ સબસિડી ઉપલબ્ધ થઇ શકશે.
આ સ્કીમની શરૂઆત બાદથી ડિસેમ્બર 2020 સુધી 31,813 ઇલેક્ટ્રીક ટુ-વ્હિલરનું વેચાણ થયુ છે. જાન્યુઆરીથી ડિસેમ્બરના સમયગાળામાં હાઇ સ્પીડ ઇલેક્ટ્રીક ટુ-વ્હિલરની વેચાણનો આંકડો 25,735 રહ્યો જે વર્ષ 2019ના 27,224ની તુલનાએ 5 ટકા નીચો છે.