ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ 15 મહિના રહ્યા છે. 15મી વિધાનસભામાં મજબૂત બહુ મતી સાથે ભાજપને સત્તામાં પરત લાવવા રૂપાણી સરકારમાં ત્રીજા વિસ્તરણની અટકળો શરૂ થઈ છે. જેમાં ચાર મંત્રીઓને પડતા મુકવા અને રાજ્યકક્ષામાંથી એક મંત્રીને કેબિનેટમાં પ્રમોશન આપવાની તૈયારીઓ સાથે નવા ત્રણેક ધારાસભ્યોને સમાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ભાજપમાં ચાલતી અટકળો મુજબ રૂપાણી સરકારમાં મજબૂત બ્રાહ્મણ ચહેરા તરીકે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સમાવીને તેમના સ્થાને સિનિયર કેબિનેટ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બેસાડાશે. જ્યારે સૌરાષ્ટ્ર- ઉત્તરગુજરાતના અનૂસુચિત જાતિ- જઝ સમાજની અપેક્ષાઓને ધ્યાને લઈને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્ર્વર પરમારના સ્થાને અગાઉ આ વિભાગને સંભાળી ચૂકેલા આત્મરામ પરમારને પુન:નિયુક્ત કરાય તો નવાઈ નહી. જ્યારે તબિયતના કારણોસર મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને સુરતમાં સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સામે ભાજપના પ્રભાવને જાળવી રાખવામા નિષ્ફળ રહેલા રાજ્યકક્ષાના કુમાર કાનાણીને પણ પડતા મુકાય તો નવાઈ નહી.
જ્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટમાં પ્રમોશન સાથે મંત્રીમંડળના વિસ્તરણમાં ચારથી પાંચ જેટલા નવા ચહેરાને સ્થાન આપવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. કોવિડ-19ને કારણે ભાજપ ના ડેવલપમેન્ટ એજન્ડાને ખાસ્સો એવો ધક્કો વાગ્યો છે. પાલિકા- પંચાયતોમાં જીત બાદ સેક્ધડ વેવમાં તેને વધુ બળ મળ્યુ છે. સમાજજીવન સંવેદનાભર્યા કાળમાંથી પસાર થઈ રહ્યુ છે ત્યારે ફરીથી જ્ઞાતિવાદ મુજબૂત બન્યો છે.
આથી, ચૂંટણી પૂર્વે નવા પડકારો સર્જાય તે પહેલા જ્ઞાતિ અને ક્ષેત્ર અનુસાર પ્રતિનિધિત્વથી રૂપાણી સરકારના વિસ્તરણ થકી ભાજપ પોતાના મુળિયા વધુ ઊંડા કરવા મથામણ કરી રહ્યુ છે. ટોચના નેતાએ કહ્યુ કે, અગાઉના બે વિસ્તરણ કોંગ્રેસમાંથી આવેલાને મંત્રીપદે બેસાડવા થયા. આ વખતે ભાજપના જ ધારાસભ્યોને તક મળશે. જો કે, મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે સંદર્ભે દિલ્હીથી આવેલા પ્રભારીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ હાઈકમાન્ડને રિપોર્ટ રજૂ થયાના આધારે નિર્ણય લેવાશે તેમ નેતાએ ઉમેર્યુ હતુ.
GDAના ટોચના અધિકારીઓના કહેવા મુજબ બંધારણના નિયમો મુજબ ગુજરાત વિધાનસભામાં 182 જનપ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આથી, તેના 15 ટકા લેખે રાજ્ય મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત 27 ધારાસભ્યોને મંત્રીપદે સરકાર સંચાલન નિયુક્ત કરવાની છુ ટ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્તમાન સરકારમાં નાયબ મુખ્યમંત્રી, 10 કેબિનેટ અને 11 રાજ્યકક્ષા એમ કુલ 23 સભ્યોની મંત્રી પરિષદ છે. હાલમાં ચાર મંત્રીઓના પદ ખાલી છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીપદે હતા. ત્યારે પણ એક- બે પદ ખાલી રાખવામાં આવતા હતા.