જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નવનિયુકત પ્રમુખ તથા મહામંત્રીઓએ ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર ભાજપા યુવા મોરચા પ્રમુખએ આગામી સમયમાં યુવા મોરચા દ્વારા થનાર સેવા કાર્યો અંગે ચર્ચા કરી હતી અને એક યુવા તરીકે કોરોના મહામારી વચ્ચે સેવા પ્રવૃત્તિ માટે અગ્રેસર રહેવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) જામનગર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા તેમજ મહામંત્રી તરીકે વિરલભાઈ વાલજીભાઈ બારડ તથા ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મરની વરણી કરવામાં આવી છે.
વર્ષ 2006થી ભાજપામાં સક્રિય : દિલીપસિંહ
ગત ટર્મમાં ભાજપા યુવા મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી બખુબી રીતે સંભાળનાર દિલીપસિંહ જાડેજાના ભાજપાએ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. ગત ટર્મમાં યુવા મોરચામાં તેમણે ખૂબ જ સારી કામગીરી નિભાવી હતી. તેઓ વર્ષ 2006થી ભાજપામાં સક્રિય સભ્ય તરીકે જોડાયેલા છે. આ ઉપરાંત શહેર ભાજપા યુવા મોરચા કારોબારી સભ્યમાં પણ રહી ચૂકયા છે. વ્યવસાયે ખેતી તેમજ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા દિલીપસિંહ બી કોમ સુધીનો અભ્યાસ કરી ચૂકયા છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલની રમતમાં રૂચિ ધરાવતા દિલીપસિંહ સ્ટેટ લેવલે બાસ્કેટ બોલમાં પ્રતિનિધિત્વ પણ કરી ચૂકયા છે. યુવા વયથી જ રાજકીય ક્ષેત્રે રૂચિ ધરાવતા દિલીપસિંહને તેમના સેવાકાર્યો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને લઇ ભાજપા દ્વારા યુવા મોરચાના પ્રમુખ તરીકેની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
કોલેજકાળથી રાજકિય ક્ષેત્રે અગ્રેસર રહેલા વિરલભાઇ
જામનગર યુવા ભાજપાના મહામંત્રી તરીકે નિમણૂંક પામેલા વિરલભાઈ બારડ ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ આ ટર્મમાં મહામંત્રી તરીકેની જવબાદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થી કાળથી જ રાજકીય ક્ષેત્રે અગ્રસર રહેલા વિરલભાઈ 2008ના વર્ષમાં એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં પ્રમુખ તરીકે વિદ્યાર્થી નેતા તરીકે સારી છાપ ઉભી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ સક્રિય રહ્યા છે. વોર્ડ નં.9 માં કાર્યકર્તાથી જ હાલમાં જામનગર શહેર યુવા ભાજપાના મહામંત્રી તરીકેની જવાબદારી મેળવનાર વિરલભાઈ એમબીએનો અભ્યાસ કરી ચૂકયા છે. તેમજ હાલમાં એચઆર માં પીએચડીની પદવી માટે અભ્યાસમાં કાર્યરત છે. ખેતી તેમજ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા વિરલભાઈ જામનગરના શિક્ષણ સંઘના કન્વીનર પણ રહી ચૂકયા છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના ડેલીગેશન ઈલેકશનમાં પણ વિજેતા થઈ ચૂકયા છે. રાજકીય ક્ષેત્રે તેમજ અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. કબડ્ડી, વોલીબોલ જેવી રમતોનું જિલ્લા લેવલે આયોજન કરી ચૂકયા છે તેમજ કબડ્ડીમાં સ્ટેટ લેવલ સુધી તેમજ વોલીબોલમાં ડિસ્ટ્રીકટ લેવલનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. આ ઉપરાંત જામનગરમાં 2009 માં મેરેથોન દોડ તેમજ ઓપન જામનગર નવરાત્રિ સહિતના કાર્યક્રમો પણ કરી ચૂકયા છે.
રાજકિય તેમજ સામાજિકક્ષેત્રે અગ્રેસર ભાવેશભાઇ
આ ઉપરાંત અન્ય મહામંત્રી એવા ભાવેશભાઇ ઠુમ્મર ગત ટર્મમાં યુવા ભાજપા જામનગરના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. વ્યવસાયે ગર્વમૈન્ટ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા ભાવેશભાઇ બી.ઈ. મીકેનિકલ, એમ.બી.એ તેમજ એલએલબીનો અભ્યાસ કરી ચૂકયા છે. તેઓ રાજકીય ક્ષેત્રે અનેરું સ્થાન ધરાવાની સાથે શિવાય ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. આ ફાઉન્ડેશન દ્વારા રકતદાન સહિતના વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અંદાજિત 500 બોટલ રકત એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ અટલ સેના જામનગર જિલ્લા પ્રમુખ, અટલ હિંદુ મહાસેના જામનગર શહેર ઉપપ્રમુખ તેમજ સરદાર ધામ જામનગર શહેર પ્રમુખ સહિતની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તેઓ ચિત્રકામનો શોખ પણ ધરાવે છે.
‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જામનગર યુવા ભાજપા પ્રમુખ દિલીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જામનગર શહેરની શહેર યુવા મોરચા ટીમની નિમણૂંક કરવાની સાથે સાથે વોર્ડથી લઇને બુથ સુધીના કાર્યકરોની રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીેએ સંગઠન અને સુશાસનની સાથે સાથે શિસ્તને માનનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર જોમ અને જુસ્સા સાથે કાર્યરત રહે છે અને પાર્ટીના દરેક આદેશોનો બખુબી રીતે પાલન કરતો હોય છે. યુવા મોરચા દ્વારા તાજેતરમાં જ કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થવા પર જામનગરના દરેક વોર્ડમાં રકત દાન કેમ્પો યોજ્યા હતાં. આગામી સમયમાં વૃક્ષારોપણ, વેકિસનેશન કેમ્પ, યુવા જોડો અભિયાન સહિતના કાર્યક્રમો યોજશે. આ ઉપરાંત ભાજપાના કેન્દ્ર તથા રાજ્ય સંગઠનના દ્વારા જે કાંઈ પણ આદેશો આવશે તે કાર્યક્રમો પણ યોજશે અને એક યુવાન કાર્યકર તરીકે વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવશે. આ રીતે સંગઠનાત્મક રીતે બુથ સુધી પહોંચવાની અને અનેકવિધ કાર્યક્રમો દ્વારા સેવા તેમજ લોકજાગૃતતા કરવાની નેમ સાથે જવાબદારી સ્વીકારેલ છે.