ત્રણ જૂને કેરલમાં પ્રવેશેલાં ચોમાસાએ માત્ર એક સપ્તાહમાં અડધું ભારત કવર કરી લીધું છે. આ વખતે ચોમાસું ફાસ્ટટ્રેક પર હોય તેમ ખૂબ ઝડપથી અને તોફાની રીતે આગળ વધી રહયું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. તો આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પહોંચી જશે. આગામી બે દિવસમાં, તે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પહોંચી શકે છે. તેથી, વિભાગે દિલ્હીમાં ચોમાસાની અપેક્ષાથી વહેલા આગમનનું અનુમાન વ્યક્ત કર્યું છે, અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસાનું આગમન જૂનના અંત સુધીમાં થાય છે.
વિભાગે જણાવ્યું કે ચોમાસું ઓડિશા પહોંચી ગયું છે, રાજ્યમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે, આઇએમડી વૈજ્ઞાનિક આશિષ કુમારે કહ્યું કે એક અનુમામ છે કે ચોમાસું આગામી 48 કલાકમાં બિહારમાં પ્રવેશ કરશે. બિહારમાં યલો અને ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ ગુરૂવારે તેના સામાન્ય સમયથી સાત દિવસ પહેલા મધ્યપ્રદેશ પહોંચી ગયું. આઈએમડીએ જબલપુર અને શહડોલ વિભાગના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. હવામાન વિભાગ, ભોપાલના અગ્રણી હવામાન વૈજ્ઞાનિક પી.કે.સાહાએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ભોપાલ, જબલપુર અને ગ્વાલિયર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે.
સાહાએ કહ્યું, ચોમાસાની ઉત્તરીય સીમા મધ્યપ્રદેશના બેતુલ અને માંડલા જિલ્લામાંથી પસાર થાય છે. આ સાથે જ ચોમાસુ રાજ્યના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે ચોમાસું 17 મી જૂને મધ્યપ્રદેશમાં આવે છે. આ કદાચ પહેલી વાર છે જ્યારે તે સાત દિવસ વહેલું આવ્યું છે. શુક્રવારે સવાર સુધી ઓરેન્જ અને યલો ચેતવણી અમલમાં રહેશે. મહારાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 15 ટીમો વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે રત્નાગિરિમાં ચાર ટીમો, સિંધુદુર્ગ, પાલઘર, રાયગઢ, થાણેમાં બે-બે ટીમો અને કુર્લામાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.