જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક સોમવારે શિક્ષિકા મહિલા ઉપર પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનું ખૂલ્યુ હતું અને આ હુમલામાં શિક્ષિકાને બચાવવા પડેલી તેની મિત્ર શિક્ષિકા ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના થાવરિયાવાળી વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતાબેન પ્રફુલ્લભાઈ ડાભી (ઉ.વ.40) નામની મહિલા અને તેણીના પતિ પ્રફુલ્લ ભવાન ડાભી વચ્ચે અવાર-નવાર ચારિત્ર્યની શંકા બાબતે ઝઘડાઓ થતા હતાં. પ્રફુલ્લ તેની શિક્ષિકા પત્ની નીતાબેન ઉપર શંકા કુશંકા કરતો હતો અને અવાર-નવારના ઝઘડાથી કંટાળીને શિક્ષિકા 15 દિવસ પૂર્વે હાલાર હાઉસ પાછળ આવેલા સ્વામિ નારાયણનગરમાં રહેતા તેણીના પિતા રતીલાલ ધારવિયા સાથે રહેવા ગઈ હતી.
દરમિયાન નીતાબેન સોમવારે સવારે થાવરિયા ગામની સ્કૂલે જવા માટે મહાપ્રભુજીની બેઠક પાસે તેમના સાથી શિક્ષિકા રશ્મીબેન સાથે વાહનની રાહ જોતા હતાં તે દરમિયાન તેણીનો પતિ પ્રફુલ્લે કારમાં આવી અને પત્ની નીતા સાથે બોલાચાલી કરી હતી. આ ઉગ્ર બોલાચાલી બાદ છરી કાઢી તેની પત્ની નીતાબેનના ગરદન અને વાંસાના ભાગે, નાકના ભાગે તેમજ ડાબા હાથે ઘા ઝીંકયા હતાં. નીતાબેન ઉપર હુમલો થતા તેની મિત્ર રશ્મીબેન છોડાવવા વચ્ચે પડતા પ્રફુલ્લે તેના ડાબા હાથમાં પણ છરીનો ઘા ઝીંકયો હતો. બાદમાં નીતાબેન લોહી-લુહાણ હાલતમાં ઢળી પડતા મોત નિપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી શિક્ષિકા મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી હત્યારા પતિ પ્રફુલ્લ ભવાન ડાભીની ધરપકડ કરી કાર કબ્જે કરી હતી તેમજ પોલીસે મૃતક શિક્ષિકાના પિતા રતીભાઈ ધારવિયાના નિવેદનના આધારે પ્રફુલ્લ ડાભી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં ચારિત્ર્ય અંગે શંકા કરી શિક્ષિકા પત્નીની હત્યામાં પતિની ધરપકડ
અવાર-નવારના ઝઘડાથી કંટાળી શિક્ષિકા માવતરે જતી રહી : પત્ની ઉપર પતિએ છરીના ઘા ઝીંકયા : વચ્ચે છોડાવવા પડેલી શિક્ષિકા મિત્ર ઘવાઇ : પોલીસ દ્વારા કાર્યવાહી