પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વણથંભ્યો અને દઝાડતો વધારો જારી છે. જેમાં સોમવારે પેટ્રોલનાં ભાવમાં વધુ એકવાર 28 પૈસા અને ડીઝલનાં ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. દેશનાં અનેક જિલ્લામાં પેટ્રોલનો ભાવ વિક્રમી 100 રૂપિયાની સપાટી પણ વળોટી ગયેલો છે અને હજી પણ ઓઈલ કંપનીઓ ભાવ વધારો અટકાવવાની નામ લઈ રહી નથી. કોરોના વચ્ચે મોંઘવારીમાં પીસાતી આમજનતા આમાંથી થોડી રાહતની આશા રાખી રહી છે પણ તે ઠગારી જ નીવડે તેવો સંકેત ખુદ પેટ્રોલિયમ મંત્રી તરફથી આવ્યો છે. ખિસ્સા ખોખરાં કરી નાખતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાંથી રાહત ક્યારે મળશે તેવા સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, અત્યારે સરકારની આવક પણ ખૂબ ઘટી ગઈ છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન આવક ઓછી થવા સાથે જ 2021-22માં પણ મહેસૂલી આવક ઓછી રહેવાનાં અણસાર છે. તેની સામે સરકારનાં ખર્ચમાં વધારો થયો છે. સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે અને કલ્યાણકારી કામોમાં ખર્ચ કરી રહી છે. સરકારનાં આવક સામે વધેલા ખર્ચને ધ્યાને રાખતા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો કરવાં માટે આ સમય યોગ્ય નથી. હાલ તેમાં ઘટાડો થશે નહીં. આ સાથે જ તેમણે બન્ને પ્રમુખે ઈંધણનાં ભાવમાં થઈ રહેલા અસહ્ય વધારાનાં કારણો પણ જણાવ્યા હતાં અને આ મોંઘવારીનું ઔચિત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો પણ કર્યા હતાં.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પેટ્રોલ, ડીઝલના ભાવોમાં સતત વધારા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમનાં શાસનમાં વેરા વધારાની લહેરો લગાતાર આવી રહી છે.
મોંઘવારીની મહામારીથી દેશના સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. સરકાર ‘બ્લૂટિક’ માટે લડે છે અને રસી માટે લોકોએ ‘આત્મનિર્ભર’ બનવું પડશે, તેવો કટાક્ષ તેમણે કર્યો હતો. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પણ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભયંકર જનલૂંટ છેલ્લા 13 મહિનામાં પેટ્રોલ 25.72 રૂપિયા અને ડીઝલ 23.93 રૂપિયા પ્રતિ લિટર મોંઘાં થયાં છે.
પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં આ વિક્રમસર્જક વધારો કાચાં તેલના વૈશ્વિક ભાવોનાં કારણે નહીં, પરંતુ મોદી સરકાર દ્વારા વધારાયેલા વેરાનાં કારણે જ છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.