ચેન્નઇના વંડાલુર પ્રાણી સંગ્રહાલયમાં કોરોના સંક્રમણથી એક સિંહણનું મૃત્યુ થયું છે. તે અરસામાં નવ સિંહ અને સિંહણ સંક્રમિત છે. વંડાલુર પ્રાણી સંગ્રહાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે સિંહણ નીલાનું ગુરુવારે 6.15ના સુમારે મૃત્યુ થયું હતું. સિંહણ નીલા એસિમ્પટોમેટિક હતી અને બુધવારે નાકમાં સળેખમ સામે આવતાં તરત જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. 26 મેના રોજ સફારી પાર્ક વિસ્તારના પાંચ સિંહ સિંહણે ભોજન લેવાનું બંધ કર્યું હતું અને સળેખમથી પીડાઇ રહ્યા હતા. વેટરનરી તબીબોએ તરત જ 11 સિંહ અને સિંહણના લોહીના નમૂના, નાકમાં બહાર આવી રહેલા પ્રવાહીના નમૂના લઇને તામિલનાડુની વેટરનરી યુનિવર્સિટી તેમજ ભોપાલ ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇ સિક્યુરિટી ડિસીઝ ખાતે ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. ટેસ્ટિંગ પછી પ્રયોગશાળાઓએ જણાવ્યું હતું કે મોકલવામાં આવેલા 11 નમૂના પૈકી નવ સિંહ અને સિંહણના નમૂના સાર્સ કોવ-2 પોઝિટિવ માલૂમ પડયા હતા.
વંડાલુર પ્રાણી સંગ્રહાલયે એમ પણ જણાવ્યું હતું કે આવેલા ટેસ્ટિંગથી જ સંતોષ ના માનતાં બરેલી ખાતેની ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમ જ હૈદરાબાદ ખાતેના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીને પણ નમૂના તપાસ માટે મોકલ્યા હતા. પ્રાણી સંગ્રહાલયે જણાવ્યા મુજબ જે સિંહ અને સિંહણ પોઝિટિવ આવ્યા છે તે સતત નિરીક્ષણ હેઠળ છે. નિષ્ણાતો સાથે સંપર્કમાં રહીને પ્રાણી સંગ્રહાલયના તબીબો તેમને સારવાર આપી રહ્યા છે. આ પ્રાણીઓની સંભાળ રાખી રહેલા તમામને કોવિડ-19ની રસી અપાઇ ચૂકી છે. પ્રત્યેક સિંહ- સિંહણના જૂથ માટે નવા કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. પ્રાણીઓની સંભાળ રાખી રહેલાઓ, તબીબો અને આ પ્રાણીઓની મુલાકાત લેનાર તમામ કર્મચારી માટે પીપીઇ કિટ ફરજિયાત કરવામાં આવી છે.