જામનગરમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે આજે રોજ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં મની લેન્ડર્સ એકટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગર શહેરમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાના વ્યાજની ચુકવણી માટે વ્યજખોરના ભયથી ગામ મૂકીને નાશી ગયો હતો.ત્યાર બાદ વ્યાજખોરે પાંચ લાખના દાગીના બળજબરીથી પડાવી લઇ મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના જાણીતા બોક્સાઈટના ધંધાર્થી અરવિંદ જમનાદાસ પાબારીએ દેવેન્દ્ર સિંહ પરમાર નામના શખ્સ વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગતો મુજબ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ જમનાદાસ પાબારી નામના વેપારીના દીકરા જયએ દેવેન્દ્રસિંહ પરમાર નામના શખ્સ પાસેથી તા.1 જાન્યુઆરી 2019 આશરે અઢી વર્ષ પૂર્વે વ્યવસાય કરવા માટે 25લાખની રકમ દર માસે 10% લેખે વ્યાજે લીધા હતા. જેનું તે કટકે કટકે વ્યાજ પણ ભરી રહ્યો હતો. બાદમાં વ્યાજ ભરવામાં અસમર્થ જય વ્યાજખોરના ડરને લીધે કંટાળીને તા.30 જુલાઈ 2019ના રોજ પોતાનું ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હતો. આર્થીક સંકળામણના લીધે યુવક વ્યાજ ન ભરી શકતા થોડાક મહિનાઓ બાદ આરોપી દેવેન્દ્ર સિંહ પરમારે અરવિંદભાઈ પાબારીના ઘરે જઈ તેને ડરાવી ધમકાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક તેના પાસેથી રૂ.5લાખની કિંમતનું સોનું પડાવી લઇ જતો રહ્યો હતો. ત્યાર બાદ થોડા દિવસ પછી ફરિયાદીને મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરે જઈ અપશબ્દો બોલી વાણીવિલાસ આચરતા પૈસાની ઉઘરાણી કરી ધાકધમકીઓ આપતા વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ અરવિંદભાઈ પાબારીએ દેવેન્દ્રસિંહ વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિગતોના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.