ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પૂર્વે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક રાઉન્ડ લીધો છે. જસદણના આંબરડીમાં માત્ર એક કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ઝાપટાંથી લઈને સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.જસદણ તાલુકાના આંબરડી ગામે ગુરુવારે સાંજે માત્ર એક કલાકમાં ધોધમાર ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં રોડ ઉપર નદોઓ વહેતી થઈ ગઈ હતી. આંબરડી ગામે તેમજ મોઢુકા, નવાગામ, સોમલપર સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ પડયો હતો. આંબરડી અને નંઘાળી ગામે વરસાદની સાથે કરા પણ પડયા હતા. જ્યારે બોટાદ, ગઢડા પંથકમાં વરસાદના સારા ઝાપટાં પડયાં હતા. બોટાદમાં પોણો ઈંચ પાણી પડો ગયું હતું. ડાંગમાં આહવા, વધઇ, સુબીર સહિત સાપુતારાના તળેટી વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે ક્યાંક ધોધમાર તો કયાંક ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા વાતાવરણ ખુશનુમાં બન્યુ છે. જેથી સાપુતારાની મજા માણવા આવેલા સહેલાણીઓમાં આનંદ બેવડાયો છે.