કોવિડ મહામારી દરમિયાન, કોવિડ રીલેટેડ ઘણી આવશ્યક ચીજોના કાળાબજાર થયા છે, બેફામ નફો પણ ઉસેડવામાં આવ્યો છે. ઘણાં તત્વો ઝડપાઇ પણ ગયા છે. ઘણાં તત્વો વિરૂધ્ધ છટકાંઓ પણ ગોઠવાઇ રહ્યા છે. ઘણાં હજુ સુધી બચી પણ ગયા હોય શકે. હવે સરકારે એક નવું શસ્ત્ર જંગમાં ઉતાર્યું છે. કોવિડ સંબંધી કુંડાળાઓ ચિતરનાર તત્વો વિરૂધ્ધ મની લોન્ડરિંગ એકટ હેઠળ ED પણ કાર્યવાહી કરશે એમ જાણવા મળ્યું છે.
ED એ પોતાના ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે : કોવિડ સંબંધી ગુનાઓ પર ફોકસ કરો. આ માટે ખાસ ડ્રાઇવ આયોજીત કરો. રેમડેસિવિર સહિતની જે લાઇફ સેવીંગ ચીજો છે. તેના કાળાબજાર કરનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરો, જેમાં બનાવટી આરટીપીસીઆર રિપોર્ટ સહિતની બાબતોને આવરી લ્યો.
આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડ- આઇસીયુ – વેન્ટીલેટર્સ તથા હોસ્પિટલના ચાર્જીસ સંબંધી જે ગુન્હાઓ આચરવામાં આવ્યા છે તે તમામ તપાસોને દાયરામાં આવરી લેવા EDના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.
જે લોકોએ એમ્બ્યુલન્સના ભાડામાં નફાખોરી કરી છે. તેઓને પણ છોડવામાં આવશે નહી એવું જાણવા મળે છે. દેશભરમાં રાજ્યોની પોલીસને સાથે રાખી ED આ ડ્રાઇવ યોજશે. અત્યારસુધીમાં કોરોનાની બીજીલહેર દરમિયાન રાજ્યોમાં આ પ્રકારના એકસોથી વધુ ગુન્હાઓ પોલીસ નોંધી ચુકી છે. અત્યારે ED પોલીસે નોંધેલી ફરિયાદોનો અભ્યાસ કરે છે. દેશના ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં ED સતાવાળાઓ આ તમામ ફરિયાદોના અનુસંધાને શું એકશન લેવામાં આવ્યા છે ? તેનો જવાબ મેળવવા 30 જૂન સુધીમાં એક રિપોર્ટ તૈયાર કરશે અને આ રિપોર્ટના આધારે ED પોતાની કાર્યવાહી શરૂ કરશે.
કોવિડમાં કુંડાળાઓ ચિતરનાર વિરૂધ્ધ સકંજો કસાવાની કવાયત શરૂ
મની લોન્ડરિંગ એકટ હેઠળ કાર્યવાહી થશે : સૂત્રો