ગઈકાલે સીબીએસઈ ની ધો.12 ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધો.12 ની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે. આજે યોજાયેલ રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સીબીએસઈની ધો.12 ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જો કે, આ અગાઉ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 1 જુલાઈથી રાજ્યમાં ધો.12 ની પરીક્ષા યોજવાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના આ નિર્ણય બાદ રાજ્ય સરકારે પણ રાજ્યમાં બોર્ડની ધો.12 ની પરીક્ષા રદ્દ કરવાનો આજે નિર્ણય કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ હાલના કોરોના માહોલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને CBSEની ધો-12ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. તે સંજોગોમાં ગુજરાતમાં ધો-12 અને 10ના રીપીટર મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફક્ત એક મહિના પછી કોરોનાના માહોલ વચ્ચે કેવી રીતે પરીક્ષા આપશે તે સવાલ ઊભો થયો છે. હજુ પણ ગુજરાતમાં દોઢ હજાર કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. મીની લોકડાઉન જેવા નિયંત્રણો અમલમાં છે. તો કોરોનાની ત્રીજી લહેર બાળકોને મહત્તમ ટાર્ગેટ કરી શકે છે તેવી પણ સંભાવના છે.
કેન્દ્ર સરકારે આગામી સમયમાં લેવાનારી CBSEની પરીક્ષાને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને જ રદ કરી છે. તે સંજોગોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે જ 1 જુલાઇથી ધો-12 અને ધો-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સરકારે ફેર વિચારણા શરૂ કરી દીધી છે. તે અંગે બુધવારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ જ્યારે CBSEની પરીક્ષાને રદ કરતા કોરોનાના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય નથી અને તેમના જીવને જોખમમાં મૂકી શકીયે નહીં તેમ કહ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલીને પરીક્ષાઓ રદ કરવા આગળ વધી છે.
CBSE બાદ ગુજરાત બોર્ડની ધો.12 ની પરીક્ષા પણ રદ્દ
આજે મંત્રી મંડળની બેઠક બાદ લેવાયો નિર્ણય : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સત્તાવાર જાહેરાત