Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 101 ટકા, ગુજરાતમાં 106 ટકા વરસાદનો અંદાજ: હવામાન વિભાગ

દેશમાં 101 ટકા, ગુજરાતમાં 106 ટકા વરસાદનો અંદાજ: હવામાન વિભાગ

- Advertisement -

કોરોના મહામારીના કારણે ખોડંગાઇ રહેલા ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર લાવતાં હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં વર્ષ 2021નું નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે જ્યારે મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનું અનુમાન છે. વર્ષ 2021 માટેના નૈઋત્યના ચોમાસા માટે બીજી લોન્ગ રેન્જ આગાહી જારી કરતાં ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે, વાવણીની સિઝન શરૂ કરવા માટે જૂન મહિનામાં ચોમાસું સામાન્ય રહેશે.

મોહપાત્રાએ જણાવ્યું હતું કે, ભારતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થવાના સંજોગો ઊજળા બન્યા છે. અમને આશા છે કે 3 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ જશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું દેશભરમાં સામાન્ય રહેવાની સંભાવના છે અને લોન્ગ પિરિયડ એવરેજના 101 ટકા વરસાદ થવાનો અંદાજ છે. 1961થી 2010 સુધીના સમયગાળાથી માપવામાં આવતો એલપીએ હાલ 88 સેમી છે. આ વખતે ચોમાસામાં દેશમાં એલપીએના 96 ટકાથી 104 ટકા વરસાદ થવાની સંભાવના છે. એપ્રિલ મહિનામાં પ્રથમ આગાહીમાં હવામાન વિભાગે એલપીએના 98 ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

થોડા સપ્તાહ અગાઉ પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી હતી કે, નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને એલપીએના 103 ટકા વરસાદ થવાની સંભાવના છે. જો ભારતીય હવામાન વિભાગ અને સ્કાયમેટના અંદાજ સાચા પડશે તો સતત ત્રીજા વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહી શકે છે. વર્ષ 2020માં એલપીએના 109 ટકા અને વર્ષ 2019માં એલપીએના 110 ટકા વરસાદ ભારતમાં નોંધાયો હતો. છેલ્લે 1996થી 1998 વચ્ચે ભારતમાં સતત ત્રણ વર્ષ ચોમાસું સામાન્ય રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular