જી.એસ.ટી. કાઉન્સિલની 43 મી મિટિંગમાં જુના રિટર્ન બાબતે ખૂબ મહત્વપુર્ણ રાહતો આપવામાં આવેલ છે. ટેક્સની જવાબદારી ના હોય તેવા કરદાતા માટે મહત્તમ લેઈટ ફી 500 અને ટેક્સ જવાબદારી હોય તેવા કરદાતાઓ માટે 1000 ની મહત્તમ લેઈટ ફી ભરવાં પાત્ર બનશે. લેઈટ ફી બાબતે આ યોજના ખરેખર વેપારીઓ માટે સારી છે તે અંગે કોઈ બે મત નથી.
આ યોજનાનો લાભ લઇ રિટર્ન ભરતા વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે કે કેમ એ મોટો પ્રશ્ન બની રહેશે. આ પ્રશ્ન ઉભો થવાનું કારણ એ છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા નિશ્ચિત સમય મર્યાદા હોય છે. નાણાકીય વર્ષ 2017 18, 2018-19 અને 2019 20 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની આ સમયમર્યાદા વીતી ગઈ છે. આવા વેપારી જ્યારે આ યોજના હેઠળ રિટર્ન ભરશે ત્યારે તેમને લેઈટ ફીમાં લાભ તો મળશે જ પણ આ વર્ષો માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં. આમ ખૂબ મોટા જી.એસ.ટી ભરવાની જવાબદારી આવા વેપારીઓ ઉપર આવી શકે છે. જોકે નિષ્ણાંતો માની રહ્યા છે કે આ મુશ્કેલી વેપારીઓને ના પડે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (CBIC) દ્વારા જી.એસ.ટી કાયદા હેઠળ આપવાની સત્તાનો ઉપયોગ કરી “રિમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર” બહાર પાડી શકે છે.
વેપારીઓને રાહત આપવા કાઉન્સિલ દ્વારા લેઈટ ફી બાબતે જે નિર્ણય લેવાયેલ છે તે જમીની સ્તરે સફળ થાય તેના માટે આ મુદ્દા અંગે સ્પષ્ટતા થાય તે જરૂરી છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે કોરોનાના આ વિકટ કાળમાં સરકાર વેપારીઓને રાહત જરૂર આપશે.
(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક ખબર ગુજરાત)