જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરીકામ કરતી તરૂણી સાથે કારખાનેદારના પુત્ર સહિત બે શખ્સોએ અવાર-નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એક પરિવારની તરૂણી પુત્રી મજૂરી કામે જઈ પરિવારની મદદ કરી રહી છે. આ તરુણી શહેરના હિંગળાજ ચોક ખાતે આવેલા રમેશભાઈના કારખાનામાં છેલ્લાં એકાદ વર્ષથી મજૂરી કામ કરે છે. આ જ કારખાનામાં કામ કરતા અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિપક સિદુભાઇ કોળી અને કારખાનેદારના પુત્ર પિયુષ રમેશભાઈ ડાંગરની ખરાબ નજર આ માસુમ સગીરા પર પડી હતી. બન્ને શખ્સોએ સગીરાને ધાક-ધમકી આપી કારખાનામાં જ તેની પર અવાર નવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ હવસનો શિકાર બનેલી તરુણી ગર્ભવતી બની જતાં નરાધમોનું કરતૂત છતું થયું હતું. તરૂણીમાં આવેલી શારીરિક ફેરફારોને લઇને તેની માતાએ તેને સાંત્વના આપી પૂછપરછ કરતા તેની સાથે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યો હોવાનું તેણે કહ્યું હતું. જેને લઇને તેના પરિવારે મેડીકલ પરીક્ષણ કરાવતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પુત્રીને સાથે રાખી આ બન્ને શખ્સો સામે તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાનો કબ્જો સંભાળી મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. બન્ને નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં કારખાનેદારના પુત્ર સહિત બે નરાધમો દ્વારા તરૂણી સાથે દુષ્કર્મ
મજૂરીકામે આવતી તરૂણી ગર્ભવતી બની : બન્ને નરાધમો વિરૂધ્ધ ફરિયાદ: પોલીસ દ્વારા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી