વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 28 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. ચક્રવાત યાસના લીધે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર સર્જાયો છે. પીએમ મોદી ચક્રવાત યાસને કારણે થયેલા નુકશાનનો તાગ મેળવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભુવનેશ્વરની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમીક્ષા બેઠક કરશે. ત્યારબાદ તે બાલાસોર, ભદ્રક અને પૂર્બા મેદનીપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ સર્વે કરશે. આ પછી, પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.
બંગાળ અને ઓરિસ્સામાં તોફાનના કારણે 20 લાખથી વધુ લોકોને અસર થઈ છે. વરસાદ અને ઘર તૂટવાના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. તેમાં 3 ઓરિસ્સાના અને એક બંગાળના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આવતીકાલે પ્રધાનમંત્રી બંગાળની મુલાકાતે છે ત્યારે તેઓ તેમના સાથે વાવાઝોડાથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.
પૂર્વ મેદિનીપુર જિલ્લાના દીધા, શંકરપુર, મંદારમની દક્ષિણ 24 પરગના જિલ્લા પછી બકખાલી, સંદેશખાલી, સાગર, ફ્રેઝરગંજ, સુંદરબન વગેરે જગ્યાએથી લઈને સમગ્ર બંગાળમાં 3 લાખ લોકોના ઘર આ વાવાઝોડામાં ઉડી ગયા છે. 134 બંધ તૂટી ગયા છે, જેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. અહીં બુધવારે 130-145 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાયો હતો.