દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે નીતિ આયોગના સભ્ય વીકે પોલે આજે જણાવ્યું છે કે રોજે 1 કરોડ વેક્સિનનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે જેટૂંક સમયમાં સંભવ થઇ શકશે.
નીતિ આયોગના સભ્ય વી કે પોલે બે અલગ અલગ વેક્સિન લેવાઈ જાય તો તે અંગે ખુલ્લાસો આપતા જણાવ્યું કે હાલ જે પ્રોટોકોલ છે તે પ્રમાણે જે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય તે જ રસીનો બીજો ડોઝ આપવો જોઈએ. પરંતુ જો અલગ અલગ વેક્સિનના ડોઝ લેવામાં આવે તો પણ ચિંતાની વાત નથી. આ સુરક્ષિત છે. અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે, અને આ અંગે ટ્રાયલ કરી શકાય છે. થોડા સમય પહેલા જ ઉત્તરપ્રદેશમાં ભૂલ થી એક વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અલગ રસીનો આપી દેવામાં આવ્યો હતો.
બાળકોના રસીકરણ અંગે ડો. વી કે પોલે કહ્યું કે, જ્યારે પણ કોઈ દવા કે રસી તૈયાર થાય છે, ત્યારે તે પહેલા પુખ્ત વયના લોકોને આપવામાં આવે છે. કારણ કે તમે બાળકોને જોખમમાં મૂકી શકતા નથી. પરંતુ હવે એ જાણવા મળ્યું છે કે બાળકોને ફાઈઝર રસી લગાવી શકાય છે. તેમણે કહ્યું, અમારી નજર સતત બાળકો માટેની વેક્સીનને લઇને હતી. આ માટે કોવેક્સીનને ટ્રાયલની મંજુરી મળી ગઈ છે. ઉપરાંત સિરમ ઇન્સ્ટીટ્યુટ પણ બાળકો માટે નોવાવેક્સની ટ્રાયલ કરવા ઈચ્છે છે.