દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. કોરોનાથી ભારતમાં થઈ રહેલા મોતના આંકડા ઉપર સતત સવાલ ઉઠતા રહ્યા છે. સરકાર જે આંકડા બતાવી રહેલ છે ત્યારે સ્મશાનો અને નદી કિનારે દફનાવાયેલ મૃતદેહોની તસ્વીરો જોઈએ તો સરકારના આંકડા ખોટા જણાય છે. ન્યુયોર્ક ટાઈમ્સ જેવા અખબારે કોરોનાથી થયેલા મોત અંગ સનસનીખેજ ખુલાસો કર્યો છે. આ અખબારે જણાવ્યુ છે કે સરકારી આંકડા કરતા અનેક ઘણા મોત થયા છે. ન્યુયોર્ક ટાઈમ્સે રપમી મેના અંકમાં જણાવ્યુ છે કે સરકાર જે આંકડા આપે છે તે હકીકતમાં ઓછા છે અનેક ઘણા વધુ મોત થયા છે. અખબારે જણાવ્યુ છે કે કોવીડથી સરકાર જણાવે છે કે 3.07 લાખ મોત થયા છે, પરંતુ હકીકતમાં આ આંકડો 14 ગણો વધુ છે એટલે કે ભારતમાં અત્યાર સુધીમાં 42 લાખ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. અખબારનો દાવો છે કે અમે આ આંકડો 3 નેશનલ શીરો સર્વેના અભ્યાસ ઉપરાંત એક ડઝન જેટલા નિષ્ણાંતોની સલાહ પર તૈયાર કરેલ છે.
અખબારનું કહેવુ છે કે ભારતમાં ન તો ટેસ્ટીંગ યોગ્ય રીતે થાય છે કે ન તો દર્દીઓના મોતનો રેકોર્ડ યોગ્ય રીતે રખાય છે. એવામાં આંકડાનું અનુમાન લગાવવુ મુશ્કેલ છે, પરંતુ જે તસ્વીર જણાય છે તેમા હોસ્પીટલો સંપૂર્ણ રીતે ભરેલ છે. કોરોનાના અનેક દર્દીઓ ઘરે જ દમ તોડો રહ્યા છે. ગામડામાં થતા મોત સરકારી ચોપડે નોંધાતા નથી.
રીપોર્ટ અનુસાર ભારતમાં સામાન્ય દિવસોમાં પમાંથી 4 મોતના કારણોની તપાસ થતી નથી. અખબાર જણાવે છે કે જે અભ્યાસ થયો તે જોઈને લાગે છે કે અડધુ ભારત કોરોના વાયરસના સિકંજામાં છે, પરંતુ સરકાર આ તથ્ય છુપાવી રહી છે જેનાથી સ્થિતિ વધુ બગડી રહી છે. અખબારના જણાવ્યા પ્રમાણે જે શીરો સર્વે કરવામાં આવ્યો તેમા પ્રથમ ગયા વર્ષે 11 મે અને 4 જૂન વચ્ચે કરાયો, જેમા જણાયુ કે 64.60 લાખ લોકોમાં એન્ટીબોડી હતી. બીજો સર્વે 18 ઓગષ્ટ અને 20 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજો 18 ડીસેમ્બર અને 6 જાન્યુઆરી વચ્ચે થયો હતો.
ન્યુયોર્ક ટાઈમ્સ જણાવે છે કે ભારતમાં 42 લાખ લોકોના મોત થયા હોવા જોઈએ અને કુલ સંક્રમિતો 70.07 કરોડ હોવા જોઈએ. ડબલ્યુએચઓએ પણ કહ્યુ હતુ કે કુલ આંકડા કરતા 2 થી 3 ઘણા વધુ મોત થયા છે. ભારતમાં સરકારી મોતનો આંકડો વાસ્તવિક આંકડાથી એટલા માટે ઓછો બતાવાય છે કે અનેક કોરોના દર્દીઓ એવા હતા જેમણે હોમ આઈસોલેશનમાં કે એમ્બ્યુલન્સમાં દમ તોડયો હતો. જેના કારણે તેમની ગણતરી સરકારી આંકડામાં નથી થઈ. આ સિવાય પરિવાર તરફથી માહિતી ન મળવી અને રેકોર્ડ રાખવામાં લાપરવાહી પણ એક કારણ છે. ગ્રામીણ વિસ્તારોમાં થયેલ મોત પણ સરકારી આંકડામાં પુરેપુરા નોંધાયા નથી.
ભારતમાં 70 કરોડ લોકો સંક્રમિત, 42 લાખનાં મોત: ન્યુર્યોક ટાઇમ્સનો ચોંકાવનારો અહેવાલ
સરકારના સત્તાવાર મોતના આંકડા કરતાં આ આંકડો 14 ગણો વધુ : અનેક દર્દીઓ ઘરે દમ તોડી રહ્યા છે : ગામડાંઓના મોતના આંકડા નોંધાતા નથી