જામનગરની કોવિડ હોસ્પિટલના પટાંગણમાં ગઇકાલે ટિફીન દેવાની બાબતે ઝઘડો કરતાં લોકોને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ દર્દીઓને તથા સગા-વ્હાલાઓ ઉપર પથ્થરના ઘા કરી સરકારી મિલકતને નુકસાની પહોંચાડવા મામલે પોલીસે દોઢ ડઝન જેટલા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે સમસ્ત દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આજરોજ સમસ્ત દલિત સમાજ જામનગર શહેર જિલ્લા દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ આજે સફાઇ કર્મચારીઓએ પોલીસ વિરૂધ્ધ રોષ ઠાલવ્યો હતો. અને ધરણા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના અંગે આજરોજ સફાઇ આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા પણ જામનગર આવ્યા હતાં અને આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી. તેમણે જામનગરના ધારાસભ્યો અને બંને મંત્રી તેમજ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી હતી.