ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કોરોના સુઓમોટો PIL મામલે બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી યોજવામાં આવી હતી. હાઇકોર્ટ સરકારને વેક્સિનેશન અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે, સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવે. જેથી રજીસ્ટ્રેશન ન ફાવતું હોય અથવા મોબાઈલ ન હોય તેવા લોકો પણ વેક્સિન લઈ શકે. સાથે જ વેક્સિનનો બગાડ થતો અટકવો જોઈએ અને પહેલો ડોઝ લેનારા લોકોને બીજો ડોઝ મળે તેના પર ધ્યાન આપવું જોઈએ.
હાઇકોર્ટ : વેક્સિનેશન માટે સ્પોટ રજીસ્ટ્રેશનની શું વ્યવસ્થા છે? 100 માંથી 20નું સ્પોટ રજીસ્ટ્રેશન કરો. જે મોબાઈલ ના વાપરતા હોય અથવા રજીસ્ટ્રેશન ના ફાવે એ શું કરે? તમે 120નો સ્લોટ રાખો એક સેન્ટરે 100 ઓનલાઈન રજીસ્ટ્રેશન અને 20 સ્પોટ રજીસ્ટ્રેશન. જેથી ગામડાના લોકોને સરળતા રહે. વેક્સિનનો બગાડ પણ થાય છે.
સરકાર : અમારી પાસે પ્રોપર વેક્સિનનો જથ્થો છે વધારે આવે તો આ વ્યવસ્થા કરીશું. અમે બગાડ અટકાવીશું.
હાઇકોર્ટ: વેકસીનના બીજા ડોઝ અંગે પણ ધ્યાન આપો તેમને વેક્સિનનો બીજો ડોઝ સમય સર મળે તો સારું છે. કારણે કે તેઓ એ પહેલો ડોઝ લીધો છે. માત્ર 18 પ્લસના પહેલા ડોઝ માટે જ પ્લાનિંગ કરવું યોગ્ય નથી બધું વિચારીને પ્લાનિંગ કરો. તમારી જોડે ડેટા હોય તો બીજો ડોઝ લેવા માટે ફોન કરો અને બોલાવો. તમે રાહ કેમ જોવો છો કે એ આવશે ત્યારે આપીશું. જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તેઓને બીજો ડોઝ પણ ઝડપથી મળે તે પણ જુઓ. હવે તમને ખબર છે કે કેટલા લોકોને બીજો ડોઝ આપવાનો છે. તમે દર વખતે બીજા ડોઝ માટેના સમયમાં વધારો કરી રહ્યા છે. એ પાછળ કોઈ સાઇન્ટિફિક તથ્ય હોવું જોઈએ. તમે અગાઉ 45 દિવસ બાદ બીજો ડોઝ લેવો તેવો નિર્દેશ કર્યો. એ બાદ દિવસ લંબાવવામાં આવ્યા, પછી ફરીવાર દિવસમાં વધારો કર્યો.
હાઇકોર્ટ: આ દેશમાં લોકોને ગમે તેટલું કહો તોય નિયમોનું પાલન નહીં કરે. કોઈ માસ્ક નહીં પહેરે, કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે. એટલે ત્રીજી વેવ નહીં ચોથી વેવ પણ આવશે અને આના માટે સરકારે જ તૈયાર રહેવું પડશે. આ દેશમાં કોઈ પણ હાથ સેનિટાઈઝ કરવામાં કે માસ્ક યોગ્ય રીતે પહેરવામાં માનતું નથી. તેથી સરકાર દર 6 મહીનાએ કોરોના ફેઝ આવશે તેવું માનીને તૈયારી કરે. જેમ તમે નાગરિકોને ટ્રાફિકના નિયમનું પાલન કરાવો છો. જેમ લોકો ક્રોસિંગ ઉપર સ્ટોપ લાઈન ક્રોસ ન કરવા બંધાયેલા છે તેવી જ રીતે માસ્ક અને સેનેટાઇઝ કરાવો.