વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત એક કાર્યક્રમ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના સંકટના કહેરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભગવાન બુદ્ધની શિક્ષા જીવનમાં ઉતારવાની વાત કહી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાના કારણે વિશ્ર્વમાં મોટી લાઈન ખેંચાઈ ગઈ છે જેના કારણે પહેલા અને પછીની દુનિયામાં મોટું અંતર આવી ગયું.
કોરોના મહામારી અંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ મહામારી અનેક સદીઓમાં સૌથી ભયાનક રહી છે જેણે અનેક લોકોનો જીવ લીધો છે. કોરોના મહામારીની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આપણા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ સતત કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે અને વેક્સિનનું કામ પણ ચાલુ છે. વડાપ્રધાને કહ્યું કે, કોવિડ સંકટ દરમિયાન જેટલા લોકો મૃત્યુ પામ્યા તેમના પરિવાર પ્રત્યે તેઓ સાંત્વના પ્રગટ કરે છે અને તેઓ તેમના દુખમાં સહભાગી છે. વડાપ્રધાને જણાવ્યું કે, સંકટના આ સમય દરમિયાન આપણને આપણા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ પર ગર્વ છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, માનવ સમાજ સામે કોરોના મહામારી સિવાય પણ અનેક પડકારો છે. જેમાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટી મુશ્કેલી છે. ભારત એવા દેશોમાં સામેલ છે જે પેરિસ એક્ટના નિયમો પૂરા કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિ અને પ્રેમના રસ્તે ચાલવાનો સંદેશો આપ્યો છે.