કેન્દ્ર સરકાર દ્વારા યુનિયનોને વિશ્ર્વાસમાં લીધા વિના મજૂર કાયદાઓમાં ફેરફાર કર્યો હોય. તેમજ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હોય, જેના વિરોધમાં આજરોજ ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના નેજા હેઠળ કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાનૂનને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. જેને લઇને દિલ્હીની બોર્ડરો ઉપર ખેડૂતો તા. 26-11-2020થી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કિશાન આંદોલનને છ મહિના પૂર્ણ થવા જઇ રહ્યાં છે. તેમજ મોદી સરકારને તા. 26-5-2021ના રોજ સાત વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે સંયુક્ત કિશાન મોરચા દ્વારા તેની બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર આજરોજ તા. 26ના રોજ બ્લેક-ડે તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું તમામ કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ પણ સમર્થન કર્યું છે. જેને ધ્યાને લઇ જામનગરમાં પણ મજદૂર સંગઠનના ટ્રેડ યુનિયન દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
તા. 26 મે 2021ના બ્લેક-ડે નિમિત્તે વિનામૂલ્યે રાશન વિતરણ કરવા, પ્રતિ માસ 7500ની આર્થિક સહાય આપવા, ત્રણેય કૃષિ કાયદા પરત લેવા, એમએસપી લાગુ કરવા માટે કેન્દ્રીય કાયદો લાવવા, ચારેય લેબર કોડ પરત લેવા, ભારતીય શ્રમ સંમેલનનું તાત્કાલિક આયોજન કરવા સહિતની માંગણી કરવામાં આવી છે.