હવામાન ખાતાના જણાવ્યા મુજબ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે ઓડિશાના કાંઠા વિસ્તારો સાથે ટકરાયું છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. ઓડિશાના ભદ્રક જિલ્લામાં તોફાનની લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે.
ચક્રવાત યાસે ઓડિશા અને બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ શરુ કર્યું છે. ભારે પવન અને વરસાદને કારણે સમુદ્રનું પાણી ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરામાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યું છે. ચક્રવાત યાસ ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદર નજીક સવારે નવ વાગ્યે પહોંચ્યુ હતું. તોફાનને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે સલામતીને ધ્યાનમાં રાખીને જોખમી વિસ્તારોમાંથી 12લાખ વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાત દરમિયાન પવનની ગતિ 155 થી 165 કિમી પ્રતિ કલાક હોવાની સંભાવના છે અને તે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. યાસ ચક્રવાત બપોરના સમયે ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. ચક્રવાતે કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓ બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે.