સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ કલ્યાણની ભાવનાથી રોગમુક્ત તથા પાવન વાતાવરણ બને અને લોકો પુન: વૈદિક સંસ્કૃત્તિ તરફ વળે તે હેતુથી અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા ગૃહે-ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા 20 હજારથી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞ થાય તે માટે શહેરમાં 24 કેન્દ્રો ઉપરથી લોકોને વિનામૂલ્યે હવન સામગ્રીની જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે લોકોએ ઘરેથી ગાયત્રી યજ્ઞ કર્યો હતો. હાલમાં વધતી જતી કોરોના મહામારીને ધ્યાને લઇ સમગ્ર જામનગરનું વાતાવરણ રોગમુક્ત, શુધ્ધ અને સાત્વિક બને તે માટે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ પણ આસ્થાભેર સાથ-સહકાર આપી ગાયત્રી યજ્ઞ કર્યો હતો. શહેરના અનેક ઘરોમાં ગાયત્રી યજ્ઞથી ધાર્મિક માહોલ છવાઇ ઉઠયો હતો.