Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઅગ્નિકાંડ: 23 દિવસ પછી,અંતે 9 ટ્રસ્ટીની ધરપકડ

અગ્નિકાંડ: 23 દિવસ પછી,અંતે 9 ટ્રસ્ટીની ધરપકડ

હોસ્પિટલમાં લાગેલી આગમાં કુલ 16 પ્રકારની ગંભીર બેદરકારીઓ પ્રકાશમાં આવી

- Advertisement -

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યક્તિઓ જીવતા ભુંજાઇ ગયાં હતાં. આગની ગંભીરતા પારખી રાજ્ય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ ipc 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે. ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા. જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 1 મેના રોજ રાત્રે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. સરકારે બે આઇએસ અધિકારીને ઘટનાની તપાસ સોંપી હતી તો મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માન્યો હતો. કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં 12 દર્દી વેન્ટિલેટર પર હતા અને 2 દર્દી બાઇપેપ પર હતા. રાત્રે 12.30 વાગ્યે 5 નંબરના બેડ પાસેના વેન્ટિલેટરમાં સ્પાર્ક સાથે આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં 16 જેટલી ગંભીર બેદરકારીઓ છતી થઇ હતી. પોલીસ, ફાયર, DGVCL, FSL, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, BAUDA, પાલિકા સહિતની ટીમોના અહેવાલમાં તજજ્ઞ અભિપ્રાય , સ્થળ – સ્થિતી પંચનામા, અકસ્માતમાં બચેલા સાહેદો , નજરે જોનાર સાક્ષી,તત્કાલ બચાવ કામગીરીમાં જોડાયેલ પોલીસ દળના સભ્યો , ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સાહેદો વિગેરેની હકીકત આધારે 16 જેટલી ગંભીર બેદરકારી બદલ ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે અગ્નિકાંડની તપાસ પણ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપી હતી. દરમિયાન હાઇકોર્ટમાં 11 મીએ આ અંગે સુનાવણી કરાઇ હતી.વેલફેર આગની ઘટનામાં જવાબદારી નક્કી કરવા સંબંધિત તંત્ર અને જવાબદારોને જોડી નોટિસ આપવા જણાવાયું હતું. જેની વધુ સુનાવણી 25 મે એ રાખી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular