Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકોરોના સારવારમાં હવે રેડિએશન થેરાપી શરૂ થશે

કોરોના સારવારમાં હવે રેડિએશન થેરાપી શરૂ થશે

એઇમ્સમાં અખતરો સફળ, ગુજરાતમાં આ થેરાપી માટે વિચારણા

- Advertisement -

કોરોનાની સામે લડવા અત્યારસુધીમાં ઘણી ટ્રાયલ થઈ, ઘણી દવાઓ આવી અને થેરાપીઓ થઈ ચૂકી છે. આ બધા ફેરફારો વચ્ચે કોરોનાવાયરસને કારણે શરીરની ઈમ્યુનિટી હાઈપર એક્ટિવ થતાં ફેફસાંમાં ડેમેજ વધતાં ઓક્સિજનની જરૂર પડતી તેમજ સાઈટોકાઈન સ્ટોર્મથી મોત થવાના બનાવ બની રહ્યા છે. આ સ્થિતિ અટકાવવા માટે દર્દીઓને સ્ટિરોઈડ આપીને ઈમ્યુનિટી ઘટાડી બચાવવામાં આવી રહ્યા છે, પણ વધુપડતા સ્ટિરોઈડને કારણે મ્યુકરમાઈકોસિસનો ખતરો વધ્યો છે અને દર્દીઓ એક રોગમાંથી નીકળ્યા બાદ બીજામાં ફસાઈ રહ્યા છે.

- Advertisement -

સ્ટિરોઈડનો ઉપયોગ ઘટે તો ફૂગ ઘટી શકે, પણ હાલ એવી કોઇ પદ્ધતિ નથી, જોકે રાજ્યમાં માત્ર સ્ટિરોઈડનો ઉપયોગ ઘટાડવા પૂરતી જ નહિ, પણ એક જ સપ્તાહમાં ઓક્સિજનની જરૂરિયાત સાવ ઘટાડવા માટે એલડીઆરટી એટલે કે લો- ડોઝ રેડિએશન થેરપી શરૂ થઈ રહી છે. શનિવારે આ અંગે નેશનલ કોન્ફરન્સ થઈ હતી, જેમાં નિષ્ણાત ઓન્કોલોજિસ્ટ સામેલ થયા હતા અને આ થેરપીનાં પરિણામો વિશે ચર્ચા થઈ હતી એમાં રાજકોટના અગ્રણી ઓન્કોલોજિસ્ટ ડો. કેતન કાલરિયાને આમંત્રણ અપાયું હતું.

ડો. કાલરિયાના જણાવ્યા અનુસાર, એઈમ્સ દિલ્હી અને પટનામાં એની ટ્રાયલ પૂરી થઈ છે. આ થેરપીમાં કેન્સરમાં જે રીતે રેડિએશન અપાય છે એ અપાય છે, પણ એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને એક જ વખત અપાય છે. આ રેડિએશનથી ફેફસાંના ઇન્ફ્લેમેટરી સેલ નિષ્ક્રિય થાય છે જેથી ફેફસાંમાં પાણી ભરાવાનું બંધ થાય છે અને તેમાં સુધારો આવતાં ફેફસાં સાફ થવા લાગે છે.

- Advertisement -

એઈમ્સ દિલ્હી અને પટનામાં આ થેરપીના ટ્રાયલ થયા છે. એક દર્દી કે જેના એક્સ-રે પરથી ફેફસાં 80 ટકા જેટલા ઈન્વોલ્વ થયા હતા તેમને ડોઝ અપાયો જ્યારે બીજા દર્દી કે જેના ફેફસાં 50 ટકા હતા તેમને ડોઝ અપાયો હતો. સપ્તાહ પછી પ્રથમ દર્દીના ફેફસાંનું ઈન્વોલ્વમેન્ટ 80 ટકા હતું તે 50 ટકા થયું જ્યારે બીજા દર્દીમાં 50 ટકા હતું તે ઘટીને 10 ટકાએ પહોંચ્યું હતું.

ડો. કેતન કાલરિયાના જણાવ્યા અનુસાર ઓક્સિજન લેવલ 90 ઘટ્યું હોય તેવા કેસમાં ફેફસાંમાં પાણી ભરાવાનું શરૂ થતું હોય છે. આવા દર્દીઓના સીટી સ્કેન કરીને જેની સીટી સ્કેન વેલ્યૂ 10થી 20 એટલે કે સામાન્ય ભાષામાં કહીએ ફેફસાં 30થી 80 ટકા સુધી ખરાબ થયા હોય તેમને આ થેરાપી આપી શકાય. આઈસીયુમાં દાખલ હોય તેમજ ઓક્સિજનની જરૂરિયાત 7 લિટરથી વધુ હોય તેવા ગંભીર દર્દીઓને આપી શકાય નહીં.

- Advertisement -

ઓન્કોલોજિસ્ટ ડો. કેતન કાલરિયાએ જણાવ્યું છે કે, ‘કોરાનાની સારવારમાં આ થેરપી આશાનું નવું કિરણ છે. માત્ર એક જ વખત અને તે પણ 5 જ મિનિટ સારવાર આપવાથી એક અઠવાડિયામાં દર્દીની તબિયત સુધરે છે. આ ઉપરાંત સ્ટિરોઈડ ઘટે તો મ્યુકરથી પણ છુટકારો મળશે. રાજકોટમાં આ થેરાપીનું ટ્રાયલ શરૂ કરવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ’.

ડો. કાલરિયા જણાવે છે કે, 80થી 90 વર્ષ પહેલા બેક્ટેરિયલ ન્યુમોનિયાના દર્દીઓના ફેફસાં બચાવવા એક્સ-રે મશીનનો ઉપયોગ કરીને આ સારવાર અપાતી હતી. એન્ટિ બેક્ટેરિયલની શોધ થતા સારવાર બંધ થઈ હતી. હવે વાઇરસથી થતા ન્યુમોનિયામાં કે જ્યારે કોઇ દવા કામ કરતી નથી ત્યારે ફેફસાં બચાવવા ફરીથી આ સારવાર સફળ નીવડી શકે છે.

સાઈટોકાઈન સ્ટોર્મ ઘટાડવા માટે રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી ફરજિયાત છે. સ્ટિરોઈડના ઈન્જેક્શન અપાય તો આખા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે આ કારણે બીજા ચેપની શક્યતા વધી જાય છે. જ્યારે રેડિએશન થેરાપીમાં માત્ર ફેફસાંમાંના જ ઈન્ફલામેન્ટ્રી સેલ ડિએક્ટિવેટ થાય છે અને ત્યાં જ ઈમ્યુનિટી ઘટે છે. બીજા અંગો પર ફરક પડતો નથી એટલે જ મ્યુકરમાઈકોસિસ થવાના ચાન્સ રહેતા નથી.

કેન્સરના દર્દીઓને હાઈડોઝ રેડિએશન થેરપી અપાય છે અને તેની 30 સાઇકલ અપાય છે. એક વખતમાં 60થી 70 ગ્રે જેટલા માપનું રેડિએશન અપાય છે જ્યારે લો ડોઝમાં ફક્ત 0.3થી 1.5 સુધીનું રેડિએશન અપાય છે અને એક જ વખત અપાય છે. ફેફસાંમાં આ રેડિએશન જતા પાણી ભરાવવા માટે અથવા તો ઈમ્યુનિટીને હાઇપર બનાવવામાં જે ઈન્ફ્લામેન્ટ્રી સેલ જવાબદાર છે તેમાંથી ખાસ પ્રકારના કેમિકલ નીકળે સોજા ચડાવતા હોય છે. તે પૈકી એક કેમિકલ આઈએલ-6 પણ હોય છે આ કેમિકલની હાજરી રિપોર્ટમાં નોંધાતી હોય છે. રેડિએશન આ પ્રકારના ઈન્ફ્લામેન્ટ્રી સેલને જ ડિએક્ટિવેટ કરી દે છે જેથી તેમાંથી આઈએલ-6 જેવા કેમિકલ નીકળતા નથી અને ફેફસાંમાં પાણી ભરાવું કે સોજા ચડવાની સ્થિતિ આવતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular