દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે આથક મોરચે પણ મોટો ફટકો પડી રહ્યો છે. રાજ્યોમાં અલગ અલગ સ્તરનુ લોકડાઉન લગાવાયુ છે અને તેના કારણે નોકરીઓ પણ ઘટી રહી છે.
દેશમાં સૌથી વધારે નોકરીઓ આપતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નોકરીઓ પર બહુ મોટી અસર પડી છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ છતા પણ આ સેક્ટરની નોકરીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સેન્ટર ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસમાં કહેવામાં આવ્યુ છે કે, પાંચ વર્ષની સરખામણીમાં 2020-21માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓની સંખ્યા ઘટીને અડધી રહી ગઈ છે. 2019-20ના મુકાબલે 2020-21ના વર્ષમાં આ સેક્ટરે આપેલી નોકરીઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે.
સાથે સાથે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની નોકરીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આંકડા પ્રમાણે કેમિકલ ઈન્ડસ્ટ્રીને છોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ સબ સેક્ટરમાં રોજગારીમાં ઘટાડો છે.
2016-17માં આ સેક્ટરમાં 5. 10 કરોડ લોકો નોકરી કરી રહ્યા હતા. અત્યારે લગભગ 2. 70 કરોડ લોકો આ સેક્ટરમાં રોજગારી મેળવી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેશના જીડીપીમાં 17 ટકા જેટલો ફાળો છે. દેશ માટે આ સારી નિશાની નથી અને દેશ પર બેકારીનુ સંકટ તોળાઈ રહ્યુ હોવાનો ઈશારો છે.
રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની હાલત પણ સારી નથી. 2016-17માં આ સેક્ટરમાં 6. 90 કરોડ લોકો રોજગારી મેળવતા હતા અને હવે આ આંકડો ઘટીને 5. 37 કરોડ પર આવી ગયો છે. કોરોનાએ આ સેક્ટરને વધારો ઝાટકો આપ્યો છે. લોકડાઉન અને બીજા પ્રતિબંધોના કારણે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ મંદી જોવા મળી રહી છે.