જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે ત્રીજી લહેરમાં બાળકોને કોરોના થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ પ્રથમ અને બીજી લહેર દરમિયાન જામનગરમાં પણ બાળકો સંક્રમિત થયા છે. જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના પોઝીટીવ બાળકોને અલગ સારવાર અપાઈ રહી છે. અને તેમની વિશેષ તકેદારી પણ રાખવામાં આવી છે. અત્યાર સુધી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ 108 બાળકોને સારવાર આપવામાં આવી છે.
જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં અત્યાર સુધી જીજી હોસ્પિટલમાં 368 બાળકોને સારવાર આપવામાં આવી છે. જે પૈકી 108 પોઝીટીવ હતા અને 260નો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. છતાં પણ તેઓને સારવાર આપવાની ફરજ પડી હતી. હાલ જીજી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ 3 બાળકો સારવાર હેઠળ છે.
ગયા વર્ષના કોરોના મહામારીના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે. તાજા જન્મેલા શિશુથી લઈને મોટાં બાળકો સુધી બધામાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગનાં બાળકો સારાં થઈ જાય છે છતાં ઘણાં બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે. બાળકના કોરોના RT-PCR રિપોર્ટમા CT વેલ્યુનું ખાસ મહત્ત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે.