કોવિડ-19ને કારણે સર્જાયેલી સમસ્યાઓના ઉકેલ માટે અને આયુષ આધારીત સંપર્કો માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરુપ એવી વિશેષ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. આ માટેનો વિનામૂલ્યે નંબર 14443 છે. આ હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસ સવારે 6 થી રાત્રે 12 કલાક સુધી કાર્યરત રહેશે. 1443 હેલ્પલાઇન નંબર દ્વારા આયુષના તમામ અલગ અલગ પ્રવાહોના નિષ્ણાંતો સામાન્ય નાગરિકોના પ્રશ્ર્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. આ પાસાઓમાં આયુ., હોમિયોપેથી, યોગ નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિધ્ધાતોનો સમાવેશ થાય છે. આ નિષ્ણાંતો દર્દીઓને માત્ર ઉપાય કે અનુકુળ ઇલાજ જ સૂચવશે નહીં પરંતુ સાથે સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પુરી પાડશે. આ ઉપરાંત નિષ્ણાંતો દર્દીઓને કોવિડ-19 પછીની રાહતો માટેના સૂચનો તથા મેનેજમેન્ટ સંપર્ક અંગે પણ માહિતી આપશે. આ હેલ્પલાઇન આઇવીઆર (ઇન્ટર એક્ટિવ વોઇસ રિસ્પોન્સ)થી સજ્જ છે અને હાલમાં તે હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. નજીકના ભવિષ્યમાં જરુરીયાતને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો કરાશે. આ હેલ્પલાઇન મારફતે આયુષ મંત્રાલય દેશમાં સમુદાયમાં કોવિડ-19ના ફેલાવાને અંકુશમાં લેવામાં યોગદાન આપશે. આ હેલ્પલાઇનને સ્ટેપવન એનજીઓ પ્રોજેકટની મદદથી કાર્યરત કરાઇ છે. નોંધનિય છે કે, આયુષ સિસ્ટમ આરોગ્ય અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતી દેશની સૌથી પુરાણી મેડિકલ સિસ્ટમ છે અને સમગ્ર દેશમાં તેને આવકાર મળેલો છે. કોરોના સામે ઘરમાં જ રક્ષણ મળે તે હેતુથી કોરોનાની મહામારીના વર્તમાન સંજોગોમાં આ સિસ્ટમના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. આ સિસ્ટમ કોવિડ-19ના મેનેજમેન્ટમાં ઉપયોગી, અસરકારક, સુરક્ષિત મેળવવામાં આસાન અને વાજબી છે. આ ઉપરાંત તેની રોગ નિવારક શકયતાને પણ ચકાસવામાં આવી છે. ખાસ કરીને પોલીહાઇબ્રલ ફોર્મ્યુલેશન જેવા કે, આયુષ-64 (સીસીઆરએએમ દ્વારા સંશોધિત) અને સિધ્ધા સિસ્ટમની કાબાસુરા કુદિનીર કોવિડ-19ના હળવા લક્ષણોમાં એકદમ અકસીર માનવામાં આવે છે. સામાન્ય નાગરિકોના લાભાર્થે આયુષ મંત્રાલય આ બંને દવાઓને વ્યાપકપણે પ્રમોટ કરી રહ્યું છે.