ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અંગે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક નિવેદન કરનારા બે શખ્સો સામે ફરિયાદ નોંધવા ખંભાળિયા પોલીસ મથકમાં યુવા કાર્યકરો દ્વારા ફરિયાદ અરજી આપવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કે જેઓ હાલ નવસારીના સાંસદ પણ છે, તેના વિશે સોશિયલ મીડિયામાં અમદાવાદના રહીશ અને ગુજરાત આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તથા જલાલપુરના રહીશ ઉમેશ મારદીયા નામના બે શખ્સો દ્વારા અશોભનીયા અને પાયાવિહોણા નિવેદનો કરવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષને બુટલેગર સાથે સરખાવી અને તેમની છબી બગડે તેવા પ્રયાસ ઉપરાંત ઉશ્કેરણીજનક અને સુલેહ- શાંતિ તથા કાયદાની પરિસ્થિતિ બગડે તેવા ઉશ્કેરણીજનક ભાષામાં સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી કોમેન્ટ અંગે ઠેર ઠેર રોષની લાગણી પ્રસરી છે. આ સંદર્ભે ખંભાળિયાના રહીશ અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા તથા પાર્ટીના યુવા કાર્યકર વનરાજસિંહ વાઢેર દ્વારા વિવિધ મુદ્દે રોષભેર લેખિત ફરિયાદ અરજી અહીંના પોલીસ મથકમાં પાઠવી, ઉપરોક્ત બંને આસામીઓ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 469, 505 વિગેરે ઉપરાંત ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ મુજબ પગલા લઇ અને ધોરણસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.