ઇઝરાઇલ અને હમાસ વચ્ચે 11 દિવસના લોહિયાળ સંઘર્ષ બાદ યુદ્ધવિરામનું એલાન કરવામાં આવ્યું છે. ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં 11 દિવસથી ચાલી રહેલ સંઘર્ષને રોકવા માટે મંજુરી આપી છે. ઇઝરાઇલી મીડિયાએ ગુરુવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. મીડિયામાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યુ છે કે હુમલાને રોકવા માટે એમેરિકા તરફથી દબાણ બનાવવા પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હમાસના એક અધિકારીએ પણ સીઝ ફાયરની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષ વિરામ શુક્રવારે સવારે 2 વાગ્યાથી પ્રભાવી થઈ ગયો છે. બંને દેશોની આ જંગમાં તુર્કી, રશિયા અને અમેરિકાની પ્રત્યક્ષ એન્ટ્રી થાય તેની શક્યતા વધી ગઈ હતી. જેના કારણે મનાતું હતું કે આ જંગ વર્લ્ડ વોરનું સ્વરૂપ પણ લઈ શકે છે.
સંઘર્ષ વિરામની જાહેરાત પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યુ કે તેમનાસુરક્ષા મંત્રી મંડળે ઈઝરાયલના સૈન્ય પ્રમુખ અને અન્ય મુખ્ય સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષ વિરામ પ્રસ્તાવને સર્વસમ્મતિથી સ્વીકારવામાં આવ્યો છે.ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર 65 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 230 પેલેસ્ટાઈનીની મોત થયા છે. ત્યારે 1710 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયલમાં 12 લોકોના મોત થયા છે. યુદ્ધના કારણે 58,000 પેલેસ્ટાઈની લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા.
ઇઝરાઇલ અને હમાસ વચ્ચે લડત 10 દિવસ પહેલા શરૂ થઈ હતી જ્યારે આતંકવાદી જૂથોએ યરુશલમ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ પહેલા અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઈની પ્રદર્શનકારીઓ અને ઇઝરાઇલી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને કારણે સ્થિતિ તંગ બની હતી. ત્યારબાદ ઇઝરાયેલે હમાસને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયલ- ગાઝા યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે બાયડને યુદ્ધ વિરામ માટે ઈઝરાયલને બિરદાવ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકન આતંકવાદી ગ્રુપોથી ખુદને બચવા માટે ઈઝરાયલનું સમર્થન કર્યુ. બાયડને કહ્યુ કે તેમનું પ્રશાસન એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ભવિષ્ય માટે આઈરન ડોમ સિસ્ટમની પૂર્તિ કરવામાં આવે. બાયડને કહ્યુ કે મારુ માનવુ છે કે આપણી પાસે એક સાથે આગળ વધવાનો એક વાસ્તવિક પ્રસંગ છે અને હું આના માટે કામ કરવા પ્રતિબદ્ધ છુ.


