તાઉતે વાવાઝોડાએ આખરે ટાટા, બાય-બાય કરી છે. સમગ્ર ગુજરાત માટે તણાવના 27 કલાક પૂરા કર્યાં છે. વાવાઝોડાએ તેનો ટ્રેક જાળવી રાખતાં ધારણા કરતાં ઓછું નુકસાન પહોંચ્યું છે તે સારી બાબત છે. વાવાઝોડાના અભ્યાસુઓએ એવું તારણ વ્યક્ત કર્યું છે કે, દિવસથી એન્ટ્રી કરી ત્યારે ટૌટે વાવાઝોડાની ઝડપ 175 કિલોમીટર આસપાસ રહી હતી.
દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી પસાર થયું ત્યારે તેની ઝડપ 130થી 150 કિલોમીટર આસપાસ રહેવા પામી હતી. વાવાઝોડું રાજકોટ જિલ્લાના ચોટીલા પાસેથી પસાર થયું ત્યારે અંદાજે 100 કિ.મી.ની ઝડપ હતી. જો કે, ચોટીલાથી પસાર થયા પછી અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વિસ્તાર થઈ વાવાઝોડું રાજસ્થાન પ્રવેશ્યું ત્યારે પવનગતિ 50 કિલોમીટર આસપાસ રહી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, નુકસાનનો આંક ખૂબ જ મોટો છે પણ જાનહાની નોંધપાત્ર નથી.
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું ટૌટે વાવાઝોડું સોમવારે રાતે 8-30 વાગ્યા પછી દિવથી જમીન પર પૂર્ણરૂપે પ્રવેશ્યું હતું. ટૌટે વાવાઝોડાએ 175 કિલોમીટરની ઝડપે દરિયામાંથી જમીન પર એન્ટ્રી કરી હતી. દિવ, ઉના, ગીર-સોમનાથ વિસ્તારમાં ટૌટે વાવાઝોડું પસાર થયું ત્યાં સોમવારની રાત દરમિયાન 140થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. આ વિસ્તારના ગામડાઓમાં વૃક્ષો, ખેતી અને ઉભા મોલનો સોથ બોલી ગયો છે. વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મ તરીકે શરૂ થયેલું ટૌટે વાવાઝોડું આગળ વધતું ગયું તે ઝડપ ઘટતી રહી હતી. મળસ્કે અમરેલી- બોટાદ જિલ્લાના વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું ત્યારે મહત્તમ પવન ગતિ ઘટીને 130 કિલોમીટર આસપાસ રહેવા પામી હતી.
સવારે 11 વાગ્યા આસપાસ વાવાઝોડું ચોટીલા નજીકથી પસાર થયું ત્યારે પવન ગતિ 100 કિલોમીટર આસપાસ રહી હતી. ટૌટે વાવાઝોડું ચોટીલાથી આગળ વધ્યું તે પછી પવનગતિ ક્રમશ: ઘટતી રહી હતી. અમદાવાદ નજીકથઈ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનગતિ ઘટીને 80 કિલોમીટર આસપાસ રહી હતી.
ટૌટેની ગતિ નોંધપાત્ર રીતે ઘટી હોવાથી અમદાવાદમાં 60થી 80 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. આમ છતાં, અમદાવાદમાં વૃક્ષોનો સોંથ બોલી ગયો હતો. અમદાવાદથી આગળ વધી મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારથી વાવાઝોડું રાજસૃથાનમાં પ્રવેશી ગયું હતું.